જાહેર માહિતી અધિકારીની ફરજો અને જવાબદારીઓ (સુધારેલી આવૃત્તિ : ઓગસ્ટ, ૨૦૨૫)

 

માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અંતર્ગત સમજ આપતી લઘુપુસ્તિકા

(સુધારેલી આવૃત્તિ : ઓગસ્ટ, ૨૦૨૫) જાહેર માહિતી અધિકારીની ફરજો અને જવાબદારીઓ ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર, ગુજરાત



કલમ-૨ : અગત્યની વ્યાખ્યાઓ

  • “માહિતી” એટલે, રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સૂચના, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડલ્સ, કોઈ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી.

    • નોંધ (૧): ભારત સરકારના અને સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર, “માહિતી”માં ફાઇલ નોટીંગનો સમાવેશ કરવામાં આવેલ છે.

    • નોંધ (૨): મુંબઈ હાઈકોર્ટના ચૂકાદા અનુસાર, “માહિતી”ની વ્યાખ્યામાં “શા માટે” (Why) જેવા પ્રશ્નોના જવાબ આપવાનો સમાવેશ થતો નથી.

    • નોંધ (૩): જાહેર સત્તામંડળ પાસે ઉપલબ્ધ સામગ્રી જે રૂપમાં હોય તે જ રૂપે પૂરી પાડવાની છે, નાગરિક વતી તેના પર સંશોધન કરી, નિષ્કર્ષ રૂપે માહિતી તારવીને પૂરી પાડવાની નથી.

  • “જાહેર સત્તામંડળ” એટલે - સંવિધાનથી, સંસદ કે રાજ્ય વિધાનમંડળે કરેલા કોઈ કાયદાથી, અથવા સરકારે બહાર પાડેલા કોઈ જાહેરનામા કે હુકમથી સ્થપાયેલ અથવા રચાયેલ કોઈ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજયની સંસ્થા. તેમાં સરકારના ફંડથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માલિકીના, નિયંત્રિત અથવા મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ અને બિન-સરકારી સંગઠનો (NGOs) નો પણ સમાવેશ થાય છે.

  • “રેકર્ડ” એટલે - કોઈ દસ્તાવેજ, હસ્તપ્રત અને ફાઈલ; કોઈ દસ્તાવેજની માઈક્રોફિલ્મ, માઇક્રોફીશ અથવા ફેસીમાઈલ નકલ; અને કોમ્પ્યુટર અથવા બીજા કોઈ સાધનથી રજૂ કરેલી બીજી કોઈ સામગ્રી.

  • “માહિતીનો અધિકાર” એટલે આ અધિનિયમ હેઠળ કોઈ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાનો; નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાનો; સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાનો તેમજ ડિસ્કેટ્સ, ફ્લોપી, ટેપ અથવા પ્રિન્ટ આઉટ મારફતે માહિતી મેળવવાનો સમાવેશ થાય છે.

  • “ત્રાહિત પક્ષકાર” એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઈ વ્યક્તિ અને તેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.

કલમ-૩ અને કલમ-૪ : નાગરિકોના અધિકાર અને સ્વયં પ્રસિદ્ધ માહિતી (Proactive Disclosure)

  • કલમ-૩ : માત્ર નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે.

  • કલમ-૪ : દરેક જાહેર સત્તામંડળે પોતાના સત્તામંડળ સંબંધિત, કુલ-૧૭ પ્રકારની માહિતી સ્વયં પ્રસિદ્ધ (Proactive Disclosure) કરવાની રહે છે. આ માહિતી શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાહેર સત્તામંડળની વેબસાઈટ ઉપર સહેલાઈથી પ્રાપ્ય થઈ શકે તે મુજબ પ્રસિદ્ધ કરવાની રહેશે.

કલમ-૫ : અધિકારીઓની સહાય અને જવાબદારીઓ

  • જાહેર માહિતી અધિકારી (PIO) પોતાની ફરજોની યોગ્ય બજવણી માટે અન્ય કોઈ અધિકારીની સહાય માગી શકશે. જે બીજા અધિકારીની સહાય માગવામાં આવી હોય, તેવા અધિકારી 'Deemed PIO' ગણાશે અને નિયમોના ઉલ્લંઘન માટે તેઓ જવાબદાર રહેશે.

  • RTI અરજીઓ પર માહિતી આપવા/નહીં આપવા અંગેનો નિર્ણય સંબંધિત જાહેર માહિતી અધિકારીએ પોતે જ લેવો જોઈએ અને તેમની સહીથી જ અરજદાર નાગરિકને યોગ્ય તે જવાબ આપવાનો રહે છે.

કલમ-૬ : માહિતી માંગતી અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  1. અરજીનું ફોર્મ : સંબંધિત જાહેર સત્તાતંત્રના જાહેર માહિતી અધિકારીને 'નમૂના-ક' માં અથવા સાદા કાગળ પર પણ અરજી કરી શકાય છે.

  2. ભાષા : અરજી ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં કરવાની રહે છે.

  3. માધ્યમ : અરજી રૂબરૂમાં, પોસ્ટ અથવા ઓનલાઈન પોર્ટલ (https://onlinerti.gujarat.gov.in/rti_portal/) મારફતે મોકલવાની રહે છે.

  4. અરજી ફી : ગુજરાત માહિતી અધિકાર નિયમો-૨૦૧૦ મુજબ રૂ. ૨૦ ફી ભરવાની રહેશે. રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે-ઓર્ડર, કોર્ટ ફી સ્ટેમ્પ, કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર (IPO) વગેરે માન્ય પદ્ધતિઓ છે.

  5. ફીમાંથી મુક્તિ : BPL/ગરીબી રેખા હેઠળ આવતી વ્યક્તિઓને અરજી ફીમાંથી મુક્તિ આપેલ છે. આ માટે સક્ષમ સત્તાધિકારીનું BPL પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે, BPL રેશનકાર્ડ માન્ય ગણાશે નહીં.

  6. અરજીની તબદીલી : જો માંગવામાં આવેલી માહિતી બીજા જાહેર સત્તામંડળ હસ્તકની હોય, તો અરજી મળ્યાની તારીખથી વધુમાં વધુ ૫ (પાંચ) દિવસમાં તે સંબંધિત વિભાગને તબદીલ કરીને અરજદારને તેની જાણ કરવાની રહેશે.

કલમ-૭ : અરજીનો નિકાલ અને સમયમર્યાદા

  • સામાન્ય સમયમર્યાદા : અરજી મળ્યેથી સામાન્ય સંજોગોમાં વધુમાં વધુ ૩૦ દિવસમાં નિકાલ કરવાનો રહેશે.

  • જીવન અને સ્વતંત્રતા : જો માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા શારીરિક સ્વતંત્રતા સાથે સંબંધિત હોય, તો તે ૪૮ કલાકમાં પૂરી પાડવી જોઈશે.

  • નકલ ફી (ફોટોકોપી ચાર્જ) : પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવાની રહેશે. પાંચથી વધુ પાના માટે નિયત નકલ ફી લેવાની રહેશે. અરજદારને નકલ ફી અંગે જાણ કરેલ તારીખથી ફીની ચુકવણી વચ્ચેનો સમયગાળો ૩૦ દિવસની ગણતરીમાંથી બાદ કરવામાં આવશે.

  • ત્રાહિત પક્ષકાર (Third Party): જો ત્રાહિત પક્ષકારની ગોપનીય માહિતી માંગવામાં આવી હોય, તો તેનો નિર્ણય લેવા માટે ૪૦ દિવસનો સમય ધ્યાને લેવાનો રહેશે.

કલમ-૮, ૯ અને ૨૪ : માહિતી જાહેર કરવામાંથી મુક્તિ

નીચેની બાબતો અંગેની માહિતી આપવા પર મુક્તિ આપવામાં આવી છે:

  1. ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાષ્ટ્રની સલામતીને પ્રતિકૂળ અસર કરે તેવી માહિતી.

  2. ન્યાયાલય કે ટ્રીબ્યુનલ દ્વારા જાહેર કરવા પર મનાઈ હોય અથવા અદાલતનો તિરસ્કાર થાય તેમ હોય.

  3. સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના વિશેષાધિકારનો ભંગ થાય તેમ હોય.

  4. વ્યાપારી ગોપનીયતા, ધંધાકીય રહસ્યો અથવા બૌદ્ધિક સંપદા (Intellectual Property).

  5. કોઈ વ્યક્તિના અંગત જીવનને લગતી માહિતી અથવા સરકારી કર્મચારી વિરુદ્ધની તપાસ/ફરિયાદ અંગેની એવી માહિતી જેમાં કોઈ વિશાળ જાહેર હિત જોડાયેલું ન હોય.

  6. મુક્તિ મેળવેલી સંસ્થાઓ (રાજ્ય સરકાર હસ્તકની): સ્ટેટ ઈન્ટેલીજન્સ બ્યુરો, CID, એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS), ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch), ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (FSL), એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વગેરે જેવી સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓને (ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર ઉલ્લંઘનના આક્ષેપો સિવાયની) માહિતી આપવામાંથી મુક્તિ છે.

કલમ-૨૦ : દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી

જો જાહેર માહિતી અધિકારી કોઈ વાજબી કારણ વિના અરજી સ્વીકારવાની ના પાડે, સમયમર્યાદામાં માહિતી ન આપે, બદઇરાદાપૂર્વક અરજી અસ્વીકાર કરે અથવા જાણીબુજીને ખોટી/અધૂરી માહિતી આપે, તો માહિતી આયોગ દ્વારા તેમને પ્રતિદિન રૂ. ૨૫૦/- લેખે મહત્તમ રૂ. ૨૫,૦૦૦/- સુધીનો દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. 

Post a Comment

Previous Post Next Post