માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (સુધારેલી આવૃત્તિ : ઓગસ્ટ, ૨૦૨૫)

 

માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ 

(સુધારેલી આવૃત્તિ : ઓગસ્ટ, ૨૦૨૫)


અરજદારની ફરજો અને જવાબદારીઓ ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર, ગુજરાત

નોંધ :

  • આ લઘુપુસ્તિકા પ્રસિદ્ધ કરવાનો હેતુ ઉપયોગકર્તાઓને અધિનિયમ સંબંધિત જોગવાઈઓની સમજ આપવાનો છે.

  • જોગવાઈના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે મૂળ કાયદાનું અંગ્રેજી સ્વરૂપ અધિકૃત ગણાશે.

  • પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર, ૨૦૨૪ | સુધારેલી આવૃત્તિઃ ઓગસ્ટ, ૨૦૨૫.


કલમ-૨ : અગત્યની વ્યાખ્યાઓ

(છ) “માહિતી” એટલે, રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સૂચના, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડલ્સ, કોઈ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી.

નોંધ :-

  1. ભારત સરકારની તા.૨૩/૦૬/૨૦૦૯ ની કચેરી યાદી અને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૧/૦૭/૨૦૦૯ના પરિપત્ર અનુસાર, “માહિતી”માં ફાઇલ નોટીંગનો સમાવેશ કરવામાં આવેલ છે.

  2. મુંબઈ હાઈકોર્ટની ગોવા બેન્ચના ચુકાદા (રીટ પીટીશન નં.૪૧૯-૨૦૦૭, ડૉ. સેલ્સા પિન્ટો વિરુદ્ધ ગોવા રાજ્ય) અનુસાર, “માહિતી”ની વ્યાખ્યામાં “શા માટે” (Why) જેવા પ્રશ્નોના જવાબ આપવાનો સમાવેશ થતો નથી.

  3. જાહેર સત્તામંડળ પાસે ઉપલબ્ધ સામગ્રી જે રૂપમાં હોય તે જ રૂપે પૂરી પાડવાની છે, નાગરિક વતી તેના પર સંશોધન કરી, નિષ્કર્ષ રૂપે માહિતી તારવીને પૂરી પાડવાની નથી.

(ઝ) “જાહેર સત્તામંડળ” એટલે -

  • (ક) સંવિધાનથી અથવા તે હેઠળ; (ખ) સંસદે કરેલા કોઈ બીજા કાયદાથી; (ગ) રાજય વિધાનમંડળે કરેલા કોઈ બીજા કાયદાથી; (ઘ) સમુચિત સરકારે બહાર પાડેલા કોઈ જાહેરનામાથી અથવા કરેલા કોઈ હુકમથી, સ્થપાયેલ અથવા રચાયેલ કોઈ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજ્યની સંસ્થા.

  • તેમાં સમુચિત સરકારે પૂરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માલિકીના, નિયંત્રિત અથવા મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ અને બિન-સરકારી સંગઠનો (NGOs) નો પણ સમાવેશ થાય છે.

  • નોંધ: કોઈપણ સંસ્થા જાહેર સત્તામંડળ હોવા અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સંબંધિત પક્ષકારે તે અંગેના પુરાવા રજૂ કરવાના રહે છે.

(ટ) "રેકર્ડ” એટલે - કોઈ દસ્તાવેજ, હસ્તપ્રત અને ફાઈલ; કોઈ દસ્તાવેજની માઈક્રોફિલ્મ, માઈક્રોફીશ અથવા ફેસીમાઈલ નકલ; આવી માઈક્રોફિલ્મમાં સમાવિષ્ટ પ્રતિકૃતિઓ; અને કોમ્પ્યુટર અથવા બીજા કોઈ સાધનથી રજૂ કરેલી બીજી કોઈ સામગ્રી.

(ઠ) "માહિતીનો અધિકાર” એટલે જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર, જેમાં સામેલ છે:

  1. કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાનો.

  2. દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાનો.

  3. સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાનો.

  4. ડિસ્કેટ્સ, ફલોપી, ટેપ, વિડિયો કેસેટ કે પ્રિન્ટ આઉટ મારફતે માહિતી મેળવવાનો.

(થ) “ત્રાહિત પક્ષકાર” એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઈ વ્યક્તિ અને તેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.

કલમ-૩ : માત્ર નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે.

કલમ-૪ : જાહેર સત્તામંડળ દ્વારા સ્વયં પ્રસિદ્ધ કરેલ માહિતી (Proactive Disclosure)

  1. દરેક જાહેર સત્તામંડળે પોતાના સત્તામંડળ સંબંધિત કુલ-૧૭ પ્રકારની માહિતી સ્વયં પ્રસિદ્ધ કરવાની રહે છે.

  2. આ માહિતી વિનામૂલ્યે અથવા ઠરાવવામાં આવે તે કિંમતે કે છપામણીના ખર્ચે આપવાની રહેશે અને તે વેબસાઈટ ઉપર સહેલાઈથી પ્રાપ્ય હોવી જોઈએ.

  3. જો માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ હોય તો તેની નકલ અરજદારે સ્વખર્ચે મેળવી લેવાની રહે છે.

કલમ-૬ : માહિતી માંગતી અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  1. જાહેર માહિતી અધિકારીને નમૂના-કમાં અથવા સાદા કાગળ પર જરૂરી વિગતો સાથે અરજી કરવાની રહે છે.

  2. જો માહિતી એક કરતા વધારે જાહેર સત્તાતંત્રો વચ્ચે વહેંચાયેલી હોય, તો પ્રત્યેક વિભાગને અલગ-અલગ અરજી કરવાની રહેશે.

  3. માહિતીની ચોક્કસ વિગતો અને ચોક્કસ સમયગાળાની સ્પષ્ટતા હોવી જરૂરી છે. માહિતીની માંગણી વખતે જાહેર સત્તામંડળના સ્રોતોનો અપ્રમાણસર ઉપયોગ ન થાય તે જોવું.

  4. અરજી ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં હોવી જોઈએ.

  5. અરજી રૂબરૂ, પોસ્ટ અથવા ઓનલાઈન માધ્યમથી મોકલી શકાય છે.

  6. અરજી ફી: ગુજરાત માહિતી અધિકાર નિયમો-૨૦૧૦ મુજબ રૂ.૨૦ ફી ભરવાની રહેશે. ફી રોકડ, ડીડી, પે-ઓર્ડર, નોન-જયુડિશિયલ સ્ટેમ્પ, કોર્ટ ફી સ્ટેમ્પ, કે આઈપીઓ (IPO) દ્વારા ભરી શકાય. ઈ-મીડિયા દ્વારા કરેલી અરજીમાં ૭ દિવસની અંદર ફી ભરવી અનિવાર્ય છે.

  7. ગુજરાત રાજ્યના જાહેર સત્તામંડળો માટે ઓનલાઈન પોર્ટલ: https://onlinerti.gujarat.gov.in/rti_portal/ નો ઉપયોગ કરી શકાય છે.

  8. બીપીએલ (BPL) મુક્તિ: ગરીબી રેખા હેઠળની વ્યક્તિઓને અરજી ફીમાંથી મુક્તિ છે, જેના માટે સક્ષમ સત્તાધિકારીનું બીપીએલ પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે (રેશનકાર્ડ માન્ય ગણાશે નહીં).

  9. અરજીમાં માહિતી માંગવા અંગેનું કોઈ કારણ દર્શાવવું જરૂરી નથી.

  10. લેખિત અરજી કે રેકર્ડ તપાસમાં અશક્ત વ્યક્તિઓને જાહેર માહિતી અધિકારીએ વ્યાજબી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે.

  11. અરજી કર્યા બાદ ૩૦ દિવસની સમયમર્યાદામાં નિયત નકલ ફી ચૂકવવાની જાણ થાય ત્યારે તે ચૂકવીને અધિકારીને જાણ કરવાની રહેશે.

  12. મહત્વનો ચુકાદો: સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર, જો માહિતી મેળવવા માટે અન્ય વૈકલ્પિક કાયદાકીય વ્યવસ્થા ઉપલબ્ધ હોય, તો આર.ટી.આઈ. (RTI) એક્ટનો ઉપયોગ કરવાનો રહેતો નથી.

  13. ૩૦ દિવસની સમયમર્યાદા બાદ અરજદારને માહિતી વિનામૂલ્યે મળવાપાત્ર છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે મળશે, તેથી વધુ પાના માટે નિયત ફી ચૂકવવી પડશે. ડિજિટલ કે ઈ-મેઈલથી માહિતી મેળવ્યા બાદ ભૌતિક (Physical) નકલ મળવાપાત્ર નથી.

કલમ-૮, ૯ અને ૨૪ : માહિતી જાહેર કરવામાંથી મુક્તિ

નીચેની બાબતો અંગેની માહિતી આપવા પર મુક્તિ છે:

  1. ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા, રાષ્ટ્રની સલામતી, વૈજ્ઞાનિક કે આર્થિક હિતો અથવા વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર કરે તેવી માહિતી.

  2. ન્યાયાલય કે ટ્રીબ્યુનલ દ્વારા પ્રતિબંધિત હોય અથવા અદાલતનો તિરસ્કાર થાય તેવી માહિતી.

  3. સંસદ અથવા રાજય વિધાનમંડળના વિશેષાધિકારનો ભંગ કરે તેવી બાબતો.

  4. વાણિજિયક ગોપનીયતા, ધંધાકીય રહસ્યો કે બૌદ્ધિક સંપદા (Intellectual Property), જેનાથી ત્રાહિત પક્ષને નુકસાન થાય.

  5. વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં લઈને મેળવેલી માહિતી.

  6. કોઈ વ્યક્તિની શારીરિક સલામતી જોખમાય અથવા તપાસ પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય તેવી માહિતી.

  7. કેબિનેટ પેપર્સ અને મંત્રી પરિષદના મંત્રણાના રેકર્ડ (જોકે નિર્ણય લેવાઈ ગયા પછી માહિતી આપી શકાય છે).

  8. સરકારી કર્મચારી વિરુદ્ધની તપાસ/ફરિયાદ કે તેની સેવાવિષયક વિગતો "અંગત માહિતી" ગણાતી હોવાથી, જ્યાં સુધી વિશાળ જાહેર હિત ન હોય ત્યાં સુધી તે જાહેર કરી શકાશે નહીં.

  9. ગુપ્તચર અને સલામતી સંગઠનો (જેવા કે CID, ATS, SRPF, ACB, FSL વગેરે) ને ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર ઉલ્લંઘનના આક્ષેપો સિવાયની અન્ય માહિતીમાંથી મુક્તિ છે.

કલમ-૧૧ : ત્રાહિત પક્ષકારને (Third Party) લગતી માહિતી

  1. જો માંગેલી માહિતી ત્રાહિત પક્ષકારની હોય, તો અધિકારીએ ૫ દિવસની અંદર ત્રાહિત પક્ષકારનો લેખિત અભિપ્રાય માંગવાનો રહેશે.

  2. ત્રાહિત પક્ષકારને રજૂઆત કરવા માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવશે.

  3. તેના પ્રતિભાવ બાદ વિશાળ જાહેરહિતને ધ્યાને લઈને અધિકારી યોગ્ય નિર્ણય કરશે. ત્રાહિત પક્ષકારને પણ અપીલ કરવાનો હક્ક રહેશે.

કલમ-૧૮ : માહિતી આયોગ સમક્ષ ફરિયાદ

નીચેના સંજોગોમાં કારણ ઉપસ્થિત થયાના ૩૦ દિવસમાં આયોગ સમક્ષ ફરિયાદ કરી શકાય છે:

  • અધિકારીની નિમણૂંક ન થઈ હોય, અરજી સ્વીકારવાનો ઇનકાર કરાયો હોય, ૩૦ દિવસમાં જવાબ ન મળ્યો હોય, ગેરવાજબી ફી માંગવામાં આવી હોય કે અધુરી/ખોટી માહિતી અપાઈ હોય.

  • નોંધ: સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર કલમ-૧૮ હેઠળની ફરિયાદમાં આયોગ માહિતી આપવાનો સીધો હુકમ કરી શકતું નથી, માત્ર દંડનીય કાર્યવાહી કરી શકે છે. માહિતી મેળવવા માટે પ્રથમ કે બીજી અપીલ જ કરવી પડે છે.

કલમ-૧૯(૧) : પ્રથમ અપીલ કરવા બાબત

  • ૩0 દિવસમાં માહિતી ન મળે અથવા મળેલા જવાબથી અસંતોષ હોય, તો ૩૦ દિવસની અંદર પ્રથમ અપીલ અધિકારી સમક્ષ વિનામૂલ્યે પ્રથમ અપીલ કરી શકાય છે. વિલંબ માટે યોગ્ય કારણો હોય તો ૩૦ દિવસ પછી પણ અપીલ સ્વીકારી શકાય છે.

કલમ-૧૯(૩) : માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ

  • પ્રથમ અપીલ અધિકારીના નિર્ણયથી નારાજ અરજદાર કે ત્રાહિત પક્ષકાર ૯૦ દિવસની અંદર માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ રજૂ કરી શકે છે. પ્રથમ અપીલ અધિકારીએ સામાન્ય રીતે ૩૦ થી ૪૫ દિવસમાં નિર્ણય કરવાનો હોય છે. બીજી અપીલ ઓનલાઈન સબમિટ કરવાની પણ સુવિધા છે.

કલમ-૨૪ હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ મળેલ જાહેર સત્તામંડળો (ગુજરાત રાજ્ય)

  1. સ્ટેટ ઈન્ટેલીજન્સ બ્યુરો

  2. ક્રીમીનલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટ (CID)

  3. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)

  4. કમાન્ડો યુનિટ

  5. બોર્ડરવીંગ હોમગાર્ડઝ

  6. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)

  7. લોકલ ઈન્ટેલીજન્સ બ્રાન્ચ (LIB)

  8. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)

  9. પોલીસ કમિશનર કચેરીની શાખાઓ (DCB અને PCB)

  10. ગૃહવિભાગ, સચિવાલયની સ્પેશિયલ શાખાઓ

  11. ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (FSL)

  12. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)

  13. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (GISF) 

Post a Comment

Previous Post Next Post