૧. મેજર સોમનાથ શર્મા
૨. નાયક જદુનાથસિંહ
૩. સેકન્ડ લેફટનન્ટ રામ રાઘોબા રાણે
૪. મેજર પીરૂ સિંઘ
૫. સુબેદાર કરમસિંહ
૬. કેપ્ટન ગુરબચ્ચન સિંહ સલારીઆ
૭. મેજર ધન સિંઘ થાપા
૮. સુબેદાર જોગીન્દર સિંહ
૯. મેજર સૈતાન સિંઘ
૧૦. હવલદાર અબ્દુલ હમીદ
૧૧. લેફ. કર્નલ અરદેશીર તારાપોર
૧૨. લાન્સ નાયક આલ્બર્ટ એક્કા
૧૩. સ્કોવોડ્રન નિર્મલ જીત સિંઘ સેખોં
૧૪. સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલ
૧૫. કર્નલ હોશિયાર સિંહ
૧૬. કેપ્ટન બાના સિંઘ
૧૭. મેજર રામાસ્વામી પરમેશ્વરન
૧૮. કેપ્ટન મનોજ કુમાર પાંડે
૧૯. સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ
૨૦. નાયબ સુબેદાર સંજય કુમાર
૨૧. કેપ્ટન વિક્રમ બત્રા
પરમવીર ચક્ર પરિચય
પરમવીર ચક્ર (PVC) એ ભારતનો સર્વોચ્ચ સેના ચંદ્રક-પુરસ્કાર છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલિદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માનોની સમકક્ષ ગણાય છે. આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે.
આ પદકની રચના ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ (પ્રથમ ગણતંત્ર દિવસ)ના રોજ ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલ, જેનો અમલ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ (પ્રથમ સ્વતંત્રતા દિવસ) થી ગણવાનું ઠરાવવામાં આવેલ. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાળો અને અધિકારીઓને એનાયત કરવામાં આવે છે. આ ખિતાબ ભારત સરકારના ભારત રન પછીનો દ્વિતિય ક્રમનો ગણાય છે, જે આઝાદી પૂર્વેના બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસનું સ્થાન લે
આ એવોર્ડની સાથે, લેફ્ટનેન્ટ અથવા તેની સમકક્ષથી નીચેની પદવી ધરાવનાર જવાનને કે તેમના વારસદારોને રોકડ પૂરસ્કાર (રૂ. ૧૫૦૦/માસ) આપવામાં આવે છે. તે ઉપરાંત ઘણા રાજ્યો પોતાના તરફથી પણ વિવિધ રોકડ પુરસ્કાર કે પેનન્શન પણ આપે
પરમવીર ચક્રની રચના
પરમવીર ચકની ડીઝાઇન શ્રીમતિ સાવિત્રીબાઈ ખાનોલકર નામના મહિલાએ બનાવેલ છે. અને તે મૂળ ' સ્વિસ હતાં. પરંતુ, ભારતીય નાગરિક સૈન્યના અધીકારી *કેપ્ટન વિક્રમ ખાનોલકર 'સાથે
લગ્ન બાદ પુરા ભારતીય બની રહ્યા હતાં. તેમણે લગન પછી પટળા યુનિવર્સિટીમાં હિન્દી અને સંસ્કૃતનો તથા ઉપનિષદ અને વેદાંતનો અભ્યાસ કર્યો. આઝાદી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડીત જવાહરલાલ નહેરુની ઇચ્છા મુજબ સૈન્યના મદદનીશ સેનાપત્તિ મેજર જનરલ હિરાલાલ અટલે શ્રીમતિ સાવિત્રી ખાનોલકરની લાયકાત ઓળખી અને તેમને પરમવીર ચક્રની ડીઝાઇન બનાવવાનું કામ સોપ્યું, જે તેઓએ બખુબી નિભાવ્યું. આ ગોળાકાર ૩.૫ સે.મી.ના કાંસાના બનેલ મેડલની વચ્ચોવચ્ચ ભારતની રાજમુદ્રા અને ચારે બાજુ ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર વજ છે. મેડલની પાછલી બાજુપર ફરતી કિનારીએ હિન્દી અને અંગ્રેજી ભાષામાં "પરમવીર ચક્ર” લખેલ છે.
આ મેડલને ૩.૨ સે.મી.પહોળી જાંબલી રંગની રિબિનમાં લટકાવવામાં આવે છે.
આ ચક્રની રચના વખતે દધીચિ ઋષીને આદર્શ તરીકે રાખવામાં આવેલ છે, જેમણે દેવરાજ ઇન્દ્રને વૃત્રાસુર નામના અસુરનો વધ કરવા માટે વજજ જેવું અમોઘ શસ્ત્ર બનાવવા પોતાના દેહનું બલિદાન આપી, પોતાના અરિસ્થ ઇન્દ્રને આપ્યા, બીજાને જીવતદાન મળે તે માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આમ આ પુરસ્કાર દેશ અને સમાજ માટે ઉચ્ચતમ "વીરતા","ત્યાગ" સમર્પણ અને "બલિદાન"ની ભાવનાનું પ્રતિક છે.
એક યોગાનુયોગ એ છે કે દેશના પ્રથમ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર વીર સપૂત મેજર સોમનાથ શર્મા, સાવિત્રી ખાનોલકરના જમાઇના ભાઈ હતા.
ભારત માતા કી જય
મેજર સોમનાથ શર્મા
જન્મઃ ૩૧ જાન્યુઆરી ૧૯૨૩ દાઢ, કાંગરા, પંજાબ
શહાદતઃ ૩ નવેમ્બર ૧૯૪૭(ઉંમર ૨૪ વર્ષ) બડગામ, ભારત
સર્વિસ/ શાખા: ભારતીય સેના
સેવા ના વર્ષ: ૧૯૪૨-૧૯૪૭
પદ: મેજર
રેજીમેન્ટ: ૪થી બટાલીયન, કુમાઉ રેજીમેન્ટ
યુદ્ધ કારકિર્દી:
બીજું વિશ્વ યુદ્ધ
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૪૭
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૩૧ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ સોમનાથની કંપનીને હવાઈ માર્ગે શ્રીનગર મોકલવામાં આવી.
અગાઉ હોકીના મેદાનમાં થયેલી ઈજાઓને કારણે તેમના ડાબા હાથ પર પ્લાસ્ટર લગાવેલું હતું
પરંતુ તેમને પોતાની કંપનીનો સાથ છોડવો નહોતો માટે તેમને સાથે જવા પરવાનગી અપાઈ.
૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ મેજર સોમનાથ શર્માની કંપનીને (ડી કંપની, ૪થી કુમાઉ) બડગામ ગામ તરફ લડાયક ચોકિયાત તરીકે જવા આદેશ મળ્યો. ગુલમર્ગની દિશામાંથી આશરે 006 હુમલાખોરોનું લશ્કર બડગામ તરફ આગળ વધ્યું. ટૂંક સમયમાં જ કંપની દુશ્મનો દ્વારા ત્રણ તરફથી ઘેરાઈ ગઈ અને મોટાર ગોળીબારને કારણે મોટાપ્રમાણમાં જાનહાનિ થઈ.
સોમનાથને તેમનું સ્થાન જાળવી રાખવાની મહત્તા સમજાઈ કારણ કે જો તેઓ આ સ્થાન ગુમાવે તો
શ્રીનગર શહેર અને હવાઈ મથક બંને જોખમાઇ જાય. ભારે પ્રમાણમાં ગોળીબાર અને સાતની સામે એક જ સૈનિક હોવા છતાં સોમનાથ સૌ સૈનિકોને લડવા માટે પ્રેરિત કરતા રહ્યા અને એક ચોકીથી બીજી ચોકી દોડતા રહ્યા.
જ્યારે મોટા પ્રમાણમાં જાનહાનિ થવાને કારણે તેમની કંપનીની ગોળીબાર કરવાની ક્ષમતા પર અસર થવા લાગી ત્યારે પોતાનો એક હાથ પ્લાસ્ટરમાં હોવા છતાં તેઓએ પોતે મેગેઝિનમાં ગોળી ભરી અને સૈનિકોને આપવાનું ચાલુ કર્યું. જ્યારે તેઓ દુશ્મન સાથે લડવામાં વ્યસ્ત હતા ત્યારે એક મોર્ટાર ગોળો તેમની નજીક ગોળાબારૂદ પર પડ્યો. તેમનો બ્રિગેડ મુખ્યાલયને તેમની શહીદી પહેલાં આખરી સંદેશો હતો કે "દુશ્મનો અમારાથી ૪૦ મિટર જ દૂર જ છે. અમારી સંખ્યા તેમની
સરખામણીએ ખૂબ જ ઓછી છે. અમારા પર ખૂબ ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. હું એક ઈંચ પણ પાછળ નહીં હટું અને છેલ્લા માણસ અને છેલ્લી ગોળી સુધી લડીશ.”
જ્યાં સુધીમાં મદદ માટે ૧લી કુમાઉની કંપની તેમના સુધી પહોંચી તમામ ચોકીઓ દુશ્મનોના કબ્જામાં હતી. પરંતુ હુમલાખોરોએ ૭૦૦ સૈનિકો ગુમાવ્યા હતા અને તેને કારણે તેમનો આગળ વધવાનો ઉત્સાહ પડી ભાંગ્યો હતો, જેને કારણે ભારતીય સૈનિકોને શ્રીનગર હવાઈ મથક પર હવાઈ માર્ગે આવવાનો અને શહેરમાં જવાના તમામ માર્ગો બંધ કરવાનો સમય મળી ગયો.
આ રીતે સોમનાથ શર્માએ શ્રીનગરને દુશ્મનના હાથમાં જતા બચાવ્યું અને તાર્કિક રીતે જોઈએ તો સમગ્ર કાશ્મીર ખીણને પણ ભારતમાંથી છૂટી પડતાં બચાવી.
નાયક જદુનાથસિંહ
જન્મઃ ૨૧ નવેમ્બર ૧૯૧૬ ખજૂરી, શાહજહાપુર, (ઉત્તર પ્રદેશ)
શહાદત: ૬ ફેબ્રુઆરી ૧૯૪૮ (ઉંમર ૩૧ વર્ષ) તીનધાર, નૌશેહરા, જમ્મુ અને કાશ્મીર
સર્વિસ/ શાખા: ભારતીય સેનારાજપૂત રેજીમેન્ટ, ફતેહગઢ
સેવા ના વર્ષ: ૧૯૪૧-૧૯૪૮
પદ: નાયક
રેજીમેન્ટ: રાજપૂત રેજીમેન્ટ, પહેલી બટાલીયન
યુદ્ધ કારકિર્દી:
બીજું વિશ્વ યુદ્ધ આરકણ કેમ્પંગ, ૧૯૪૨-૧૯૪૩, ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૪૭
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૧૯૪૭ના શિયાળામાં ૨૪ ડિસેમ્બરના રોજ પાકિસ્તાની હુમલાખોરોએ નૌસેરા વિસ્તારમાં આવેલ ઝાંગડનો કબ્જો કર્યો. આ દ્વારા તેઓને નૌસેરા પર હુમલો કરવાની તક મેળવી. ભારતીય સૈન્ય આ ખતરાથી જાણકાર હતું માટે તેમણે કોટ ગામ કબ્જે કર્યું અને બ્રિગેડિયર ઉસ્માનના નેતૃત્વ હેઠળ નૌસેરા ફરતે ચોકી ગોઠવી. આમાંની એક ચોકી નૌસેરાની ઉત્તરે તીનધાર ની હતી.
૬ ફેબ્રુઆરીના ૧૯૪૮ રોજ વહેલી સવારે દુશ્મને હુમલો કર્યો. હુમલાની શરૂઆત ભારતીય દળો પર દુશ્મનની ચોકીઓમાંથી ગોળીબાર દ્વારા થઈ. બાદમાં મશિનગન અને મોર્ટાર ફાયર તીનધારની ચોકી તરફ થયાં. તે દરમિયાન અંધારાનો લાભ લઈ દુશ્મન ભારતીય ચોકી સુધી આવી ગયા હતા. અજવાળું થતાં હજારો દુશ્મનો નજરે ચડયા. તીનધાર ખાતે ચોકી ક્રમાંક '૨' ખાતે જદુનાથ સિંહના નેતૃત્વ હેઠળ ૯ સૈનિકો તૈનાત હતા. દુશ્મનોએ આ ચોકી પર કબ્જો જમાવવા ગોળીઓની રમઝટ બોલાવી દીધી. આ તબક્કે જદુનાથ સિંહે અજબ બહાદુરી અને નેતૃત્વ શક્તિ દાખવી.
તેમની નાની ટુકડીનો એવો ચતુરાઈભર્યો ઉપયોગ કર્યો કે દુશ્મનો મૂંઝવણમાં મુકાઈ ગયા અને પીછેહઠ કરી. જ્યારે તેમના ચાર સૈનિકો ઘાયલ થયા ત્યારે તેમની ફરીથી ગોઠવણ કરી અને આગલા હુમલા માટે તૈયાર કર્યા. દુશ્મન કરતાં ખુબ જ ઓછી સંખ્યા હોવા છતાં ચોકી અડગ રહી. જ્યારે જદુનાથ સિંહ સહિત તમામ સૈનિકો ઘાયલ થયા ત્યારે તેમણે પોતે ઘાયલ સૈનિક પાસેથી બ્રેન ગન લઈ ગોળીબાર શરુ કર્યો. તેમનો ગોળીબાર એટલો સખત હતો કે નિશ્ચિત જણાતી હાર જીતમાં બદલાઈ ગઈ. ચોકી બીજી વખત પણ બચી જવા પામી.
અત્યાર સુધીમાં જદુનાથ સિંહ સિવાયના તમામ સૈનિકો શહીદ થયા હતા. દુશ્મનોએ ચોકી કબ્જે કરવાના દઢ નિર્ણય સાથે ત્રીજો અને આખરી હુમલો કર્યો. જદુનાથ સિંહ એકલા અને ઘાયલ હતા. તેઓ ખાઇમાંથી બહાર કુદી પડયા અને બ્રેન ગન ફાયર કરવા લાગ્યા. તેનાથી દુશ્મનો આશ્ચર્ય પામ્યા અને અવ્યવસ્થા સર્જાવાને કારણે પાછા હટી ગયા. પરંતુ જદુનાથ સિંહને બે ગોળી છાતી અને માથામાં વાગી અને તેઓ બહાદુરીપૂર્વક મોતને ભેટ્યા.
નૌસેરાના યુદ્ધની કટોકટી ભરેલા સમયે તેમણે પોતાની ચોકી અણનમ રાખી. આ માટે નાયક જદુનાથ સિંહને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.
તેમના જન્મસ્થળ શાહજહાંપુરમાં એક રમતના સ્ટેડિયમને તેમનું નામ અપાયું છે.
સેકન્ડ લેફટનન્ટ રામ રાઘોબા રાણે
જન્મ: જુન ૨૬, ૧૯૧૮ હવેલી, કર્ણાટક
મૃત્યુઃ ૧૧ જુલાઈ ૧૯૯૪ (ઉંમર ૭૬ વર્ષ) પુણે
સર્વિસ/ શાખા: ભારતીય સેના
સેવા ના વર્ષ: ૧૯૪૦-૧૯૬૮
પદ: મેજર
રેજીમેન્ટઃ બોમ્બેઈ સેપર્સ
યુદ્ધ કારકિર્દી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૪૭
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વ હસ્તે)
૧૮ માર્ચ ૧૯૪૮ના રોજ સૈન્યએ ઝાંગર કબ્જે કર્યું જેને દુશ્મનોએ ડિસેમ્બર ૧૯૪૭માં કબ્જે કર્યું હતું.
રાજૌરી પહોંચતા પહેલાં મેજર આત્મસિંઘ અને તેમના સૈનિકોએ ઝાંગડ ગામ કબ્જે કર્યું અને પાકિસ્તાની સૈનિકોને ખદેડી મૂક્યા. પાક. સૈનિકોએ રાજૌરી-પુંછ રાષ્ટ્રિય ધોરીમાર્ગને નુક્શાન પહોંચાડયું હતું.
ભારતીય સૈનિકોએ પ્રજાને ઘૂસણખોરોના અત્યાચારથી બચાવવા નૌશેરાથી રાજૌરી તરફ આગળ વધવાનું નક્કી કર્યું. ૮ એપ્રિલ ૧૯૪૮ના રોજ ૪થી ડોગરાએ રાજૌરી તરફ આગળ વધી નૌશેરાથી ૧૧ કિમી ઉત્તરે બરવાલી ટેકરી પર હુમલો કર્યો અને દુશ્મનને તેમની ચોકીઓથી ખદેડી મૂકી સ્થળને કબ્જામાં લીધું. જોકે બરવાલીથી આગળ માર્ગમાં મોટા પ્રમાણમાં અવરોધો અને સુરંગક્ષેત્રો હતા જેથી બટાલિયનને આગળ વધવામાં અડચણ આવી. ભારે તોપો અને રણગાડીઓ પણ આગળ વધવામાં નિષ્ફળ રહી.
આ કટોકટીની પરિસ્થિતિમાં સેકન્ડ લેફ્ટનન્ટ રાણે અને તેમની ૩૭ ફિલ્ડ કંપની જે ૪ ડોગરા સાથે જોડાયેલી હતી તેમણે સ્વૈચ્છિક કાર્યવાહી કરી.
૮ એપ્રિલ ના રોજ તેઓ એક સુરંગ ક્ષેત્ર નિષ્ક્રિય કરી રહ્યા હતા ત્યારે દુશ્મનના મોર્ટાર ફાયરિંગમાં તેમના બે સૈનિકો માર્યા ગયા અને રાણે સહિત પાંચ અન્ય ઘાયલ થયા. જોકે સાંજ સુધીમાં રાણે અને તેમના સૈનિકોએ સુરંગક્ષેત્ર નિષ્ક્રિય કરી દીધું અને રણગાડીઓને આગળ વધવા માર્ગ કરી દીધો. પરંતુ માર્ગ પરથી દુશ્મનો હજુ દૂર નહોતા થયા અને માર્ગ હજુ પણ આગળ વધવા માટે અસુરક્ષિત હતો.
સેકન્ડ લેફ્ટનન્ટ રાણે રાતમાં પણ કામ કરતા રહ્યા અને રણગાડીઓ માટે સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો. ૯ એપ્રિલના રોજ તેમના સૈનિકોએ સળંગ ૧૨ કલાક કામ કરીને માર્ગના અવરોધો અને સુરંગ ક્ષેત્ર દૂર કરતા રહ્યા. જ્યારે માર્ગ પર ચાલવું અશક્ય બન્યું ત્યારે ફાંટો પાડીને પણ માર્ગ તૈયાર કરી દીધો.
૧૦ એપ્રિલના રોજ માર્ગમાંનો અવરોધ જે આગલી રાતે હટાવી નહોતો શકાયો તે દૂર કરવા તેઓ સવારમાં વહેલા ઉઠ્યા. તેમણે પાંચ વિશાળ દેવદારના વૃક્ષો જે સુરંગ વડે ઘેરાયેલ હતા તે ભારે ગોળીબાર વચ્ચે બે કલાકમાં દૂર કર્યા.
સૈન્ય આ દિવસે બીજા અવરોધ સુધી વધુ ૧૩ કિમી આગળ વધ્યું. આ અવરોધ સુધીના તમામ માર્ગો પર દુશ્મન સૈનિકાએ ચોકી ગોઠવી હતી. રાણે રણગાડીમાં અવરોધ સુધી ગયા અને તેની નીચે પેટે ઘસડાઈ અને સુરંગ વડે અવરોધને ઉડાવી દીધા. આ રીતે તેમણે માર્ગને રાત પૂરી થાય તે પહેલાં જ સાફ કરી નાખ્યો.
૧૧ એપ્રિલના રોજ રાણે એ ચીંગાસ અને તેથી આગળનો માર્ગ સાફ કરવા માટે ૧૭ કલાક કામ કર્યું. રાણેએ ભારતીય સૈન્યને રાજૌરી સુધી આગળ વધવાની કાર્યવાહીમાં નોંધપાત્ર ફાળો આપ્યો. જેથી લગભગ ૫૦૦ દુશ્મનો માર્યા ગયા અને અનેક ઘવાયા અને ચીંગાસ અને રાજૌરીમાં અનેક નિર્દોષના જીવ બચાવી શકાયા. રાણેની દૃઢ નિશ્ચય અને અથાક પરિશ્રમ વગર સૈન્ય ચીંગાસ ન પહોંચી શક્યુ હોત.
રાૌરી તરફ આગળ વધવાની કાર્યવાહીમાં રાણેએ કરેલા યોગદાન માટે તેમને યુદ્ધ સમયનો સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરાયો હતો.
મેજર પીરૂ સિંહ
જન્મ: ૨૦ મે ૧૯૧૮ બેરી, રાજસ્થાન, (રાજપુતાના)
શહાદતઃ ૧૮ જુલાઈ ૧૯૪૮ (ઉંમર ૩૦ વર્ષ)સર્વિસ/ શાખા: ભારતીય સેના
સેવા ના વર્ષ: ૧૯૩૬-૧૯૪૮
પદ: કંપની હવાલદાર મેજર
રેજીમેન્ટ: ૬ બટાલીયન, રાજપુતાના રાઈફલ
યુદ્ધ કારકિર્દી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૪૭
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૧૧ જુલાઈ ૧૯૪૮ના રોજ ભારતીય હુમલાની શરૂઆત થઈ. ૧૫ જુલાઈ સુધી કાર્યવાહી બરાબર ચાલી.
આગળના વિસ્તારના જાસૂસી સર્વેક્ષણમાં ખબર મળ્યા કે દુશ્મને એક ઉંચાઈ વાળા સ્થળે રક્ષણાત્મક હરોળ બાંધી છે અને આગળ વધવા માટે તે સ્થળને કબ્જે કરવું જરૂરી છે. તેનાથી પણ આગળ આ જ પ્રકારની બીજી હરોળ પણ મોજૂદ છે.
બંને હરોળને કબ્જે કરવાની જવાબદારી ૬ રાજપુતાના રાયફલ્સને સોંપાઈ. 'ડી' કંપની પ્રથમ હરોળ કબ્જે કરશે અને તે થઈ ગયા બાદ 'સી' કંપની બીજી હરોળ કબ્જે કરશે તેવું નક્કી થયું. 'ડી' કંપનીએ તેના લક્ષ્યાંક પર ૧૮ જુલાઈએ રાત્રે ૧૨:૩૦ વાગે હુમલો કર્યો. લક્ષ્યાંક સુધીનો રસ્તો એક મિટર પહોળો હતો અને બંને બાજુએ ઉંડી ખાઈઓ હતી. તે માર્ગ પર નજર રાખી શકાય તે રીતે દુશ્મન બંકરો હતા. કંપની પર મોટા પ્રમાણમાં ગોળીબાર થયો અને અડધા જ કલાકમાં ૫૧ સૈનિક ઘાયલ કે શહીદ થયા. આ લડાઈ વખતે પીરૂ સિંઘ કંપનીના સૌથી આગળની ટુકડી સાથે હતા જેના અડધો અડધ સૈનિકો ભીષણ ગોળીબારમાં શહીદ થયા. તેઓ દુશ્મનની મશીનગન ચોકી તરફ આગળ વધ્યા જે બહુ મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચાડી રહી હતી. દુશ્મનના હાથગોળાની કરચોએ તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના શરીર પર અનેક જગ્યાઓએ જખમ કર્યા. પરંતુ તેના કારણે તેઓ ડગ્યા નહીં. તેઓ રાજપુતાના રાયફલ્સનો યુદ્ધઘોષ "રાજા રામચંદ્રકી જય” જગાવતા આગળ વધતા રહ્યા અને આગળ ધસી જઈ પોતાની સંગીન વડે મશીનગન પરના દુશ્મન સૈનિકોને મારીને પોતાની સ્ટેન ગન વડે આખા બંકર પર કબ્જો મેળવી લીધો. આ સમયમાં તેમના સાથીઓ પાછળ મૃત કે ઘાયલ થઈ પડ્યા હતા. દુશ્મનોને ટેકરી પરથી હટાવવાનું કામ એકલા પર આવી પડ્યું. મોટાપ્રમાણમાં રક્ત ગુમાવવા છતાં તેઓ બીજી મશીનગન બંકર તરફ આગળ વધ્યા. આ સમયે એક હાથગોળાએ તેમના ચહેરા પર ઈજા પહોંચાડી. તેમના ચહેરા પરથી વહેતા રુધિરે તેમને લગભગ દૃષ્ટિહીન જ કરી મૂક્યા. ત્યાર સુધીમાં તેમની પાસે રહેલી સ્ટેન ગનની તમામ ગોળીઓ ખતમ થઈ ગઈ હતી. તેઓ કબ્જે કરેલ દુશ્મન બંકરમાંથી ઘસડાઈ અને બહાર નીકળ્યા અને બીજા બંકર પર હાથગોળા ફેંકવા લાગ્યા. બાદમાં તેઓ બીજી ખાઈમાં કૂદી પડ્યા અને બે દુશ્મન સૈનિકોને સંગીન વડે મારી નાખ્યા. બાદમાં ત્રીજા બંકર તરફ પણ જવા લાગ્યા તે સમયે જ તેમને માથામાં ગોળી વાગી અને તેઓ દુશ્મનની ખાઈ પાસે પડતા દેખાયા. બરાબર આ જ સમયે ખાઈમાં સિંઘે ફેંકેલા હાથગોળાને કારણે એક ધમાકો થયો. અત્યાર સુધીમાં સિંઘને થયેલા જખ્મો જીવલેણ સાબિત થયા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમની માતાને પત્ર લખ્યો હતો કે “તેમણે પોતાની એકહથ્થુ બહાદુરી ભરેલા કારનામા માટે જાન ખોયો પરંતુ તેઓ પાછળ તેમના સાથીઓ માટે અડગ વીરતાનું અનોખું ઉદાહરણ મૂકતા ગયા. રાષ્ટ્ર તેમનું આભારી છે. માતૃભૂમિ માટેના બલિદાનમાં પ્રાર્થના છે કે તેમને શાંતિ અને સંતોષ મળશે.” કંપની પીરૂ સિંઘને યુદ્ધકાળનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું.
સુબેદાર કરમસિંહ
જન્મ: ૧૫ સપ્ટેમ્બર ૧૯૧૫ સેહના, બર્નાલા, પંજાબ
મૃત્યુ: ૨૦ જાન્યુઆરી ૧૯૯૩ (ઉંમર ૭૭ વર્ષ)સર્વિસ/ શાખા: બ્રિટિશ ભારતીય સેના, ભારતીય સેના
સેવા ના વર્ષ: ૧૯૪૧-૧૯૬૯
પદઃ સુબેદાર
રેજીમેન્ટ: ૧ બટાલીયન (૧ શીખ)
યુદ્ધ કારકિર્દી:
વિશ્વ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૪૭
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વહસ્તે)
સુબેદાર અને ઓનરરી કેપ્ટન કરમસિંહ ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા. તેમનો જન્મ બરનાલા, પંજાબ ખાતે એક શીખ પરિવારમાં થયો હતો. તેમને ૧૯૪૮માં ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય સૈન્યમાંથી ઓનરરી કેપ્ટન તરીકે નિવૃત્ત થયા હતા. તેમના પત્ની ગુરદયાલ કૌર જૂન ૨૦૧૦માં મૃત્યુ પામ્યા. તેઓ જીવિત રહીને પરમવીર ચક્ર મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. તેમને પરમવીર ચક્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે એનાયત થયું હતું.
તેઓ શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયનમાં ૧૫ સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ ભરતી થયા હતા. તેઓ ભારત માટે બીજા વિશ્વયુદ્ધમાં લડયા હતા અને મિલિટરી મેડલ મેળવ્યો હતો.
તેમને પરમવીર ચક્ર ૧૯૪૭ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં મળ્યું હતું. યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટિથવાલ ક્ષેત્રના કબ્જા માટે યુદ્ધ થયું હતું અને ભારતે ટિથવાલ ને ૨૩ મે ૧૯૪૮ના રોજ કબ્જે કર્યું હતું, પરંતુ બાદમાં પાકિસ્તાનના વળતા હુમલામાં કબ્જો ગુમાવ્યો હતો. મે થી ઓક્ટોબર વચ્ચે અનેક વખત ટિથવાલ ક્ષેત્ર માટે લડાઈઓ થઈ હતી.
ઓક્ટોબર ૧૯૪૮માં પાકિસ્તાની સૈનિકોએ ટિથવાલની દક્ષિણે આવેલ રીંછમાર ગલીને કબ્જે કરવા હુમલો કર્યો. આ વિસ્તારમાં સિંહ એક છાવણીનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા. શરૂઆતના હુમલામાં જ તમામ બંકરો નાશ પામ્યા હતાં. તેમના કમાન્ડર સાથેના સંચારના સાધનો પણ નાશ પામ્યાં. તેથી કરમસિંહ પોતાની સ્થિતિ દર્શાવવા કે મદદ મેળવવા પણ અક્ષમ બન્યા. ઘાયલ થવા છતાં તેઓ પોતાના સાથીઓ સાથે મળી લડ્યા અને રીંછમાર ગલીની સુરક્ષા કરી.
પાંચમી વખત સુધીના દુશ્મનના હુમલામાં બે વખત ઘવાયા છતાં તેઓ મોખરેથી લડતા રહ્યા. જ્યારે દુશ્મન સૈનિકો મોખરાની નજીક આવી ગયા. ત્યારે તેઓ ખાઈની બહાર કુદી પડ્યા અને સંગીન વડે બે દુશ્મનોને મારી નાખ્યા. આ બહાદુરી ભર્યા પગલાંથી દુશ્મનો હતોત્સાહ થયા અને પાછા હટી ગયા. તે દિવસે છાવણી પર આઠ વખત હુમલો થયો અને તેઓએ દર વખતે દુશ્મનોને મારી હટાવ્યા. ટિથવાલના યુદ્ધ માટે તેમને પરમવીર ચક્ર એનાયત કરાયું.
કેપ્ટન ગુરબચ્ચન સિંહ સલારીઆ
જન્મઃ ૨૯ નવેમ્બર ૧૯૩૫ શકરગઢ, ઇન્ડિયા (હાલમાં પાકિસ્તાન )
શહાદત: ૫ ડીસેમ્બર ૧૯૬૧ (ઉંમર ૨૬ વર્ષ) ગુરખા રાઈફલ, કાંગો ખાતે
સર્વિસ/ શાખા: ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૫૭-૧૯૬૧
પદઃ કેપ્ટન
રેજીમેન્ટ: ૩ બટાલીયન, ૧ ગુરખા રાઈફલ
યુદ્ધ કારકિર્દી: કાંગો ક્રીસીસ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
તેઓ ૯ જૂન ૧૯૫૭ના રોજ ૧ ગુરખા રાયફલ્સમાં જોડાયા, તેઓ રેજિમેન્ટની ત્રીજી પલટણમાં જોડાયા. ૧૯૬૧માં તેઓ પોતાની પલટણ સાથે વિદેશમાં કટાંગા ખાતે નિયુક્ત થયા.
બેલ્જીયમ જ્યારે કોંગો છોડતું હતું ત્યારે તે દેશમાં ગૃહયુદ્ધની શરૂઆત થઈ. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા લશ્કરી પગલાં લેવાનું નક્કી કરાયું ત્યારે ભારતે ૩૦૦૦ સૈનિકોની બ્રિગેડનું યોગદાન આપ્યું. ૧૯૬૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘે કટાંગાના લોકો દ્વારા કરાતી હિંસા રોકવાનું નક્કી કર્યું. તેના કારણે કટાંગાના વિભાજનવાદી નેતા ત્સોમ્બે ખૂબ રોષે ભરાયા અને તેમનું 'સંયુક્ત રાષ્ટ્રસંઘને ધિક્કારો' અભિયાન તેજ બનાવ્યું જે વધુ હિંસામાં પરિણમ્યું.
૫ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ૩/૧ ગુરખાના સૈનિકોએ કટાંગા મુખ્યાલય અને એલિઝાબેથવિલે વિમાનમથકના માર્ગ પર આવેલી કટાંગાના સૈનિકોની ચોકી પર હુમલો કર્યો. તે ચોકીનો નાશ કરી અને સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોકી ગુરખાઓએ સ્થાપી. જ્યારે કેપ્ટન સલારીઆ પોતાની ટુકડીની મદદથી ચોકી મજબૂત કરવા આગળ વધ્યા ત્યારે તેમને જૂના વિમાનમથક વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિરોધનો સામનો કરવો પડયો. દુશ્મનો બે બખ્તરબંધ ગાડી અને ૯૦ સૈનિકોની મદદથી જમણી તરફથી હુમલો કરી રહ્યા હતા. લક્ષ્ય પૂરું પાડવા માટે દુશ્મનોની સાંખ્યિક બાહુબળને ગણકાર્યા સિવાય લડાઈ શરૂ કરી. ત્યારબાદ ગુરખાઓ સંગીન, ખુકરી અને હાથગોળાઓના ઉપયોગ વડે દુશ્મન તરફ ધસ્યા. તેઓની મદદમાં એક રોકેટ લોન્ચર પણ હતું. કેપ્ટન સલારીઓ અને તેમની ટુકડીએ ૪૦ દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો અને બંને ગાડીને નકામી બનાવી દીધી.
સાંખ્યિક બળ તેમના પક્ષમાં હોવા છતાં દુશ્મનો ભાગી છૂટ્યા. તેમને ગળાના ભાગે ગોળી વાગી અને તેમાંથી મોટા પ્રમાણમાં રક્ત વહેવા લાગ્યું. પરંતુ પોતાની ઈજાને ગણકાર્યા વગર તેઓ લડતા રહ્યા અને અંતે મોટા પ્રમાણમાં લોહી વહી જવાથી પડી ગયા અને બાદમાં પોતાની ઈજાને કારણે શહીદ થયા.
કેપ્ટન સલારીઆની કાર્યવાહીને કારણે કટાંગાના સૈ નિકો એ લિઝાબેથવિલે ખાતે આવેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયને ઘેરવામાં નિષ્ફળ રહ્યા. તેમના નેતૃત્વ, વીરતા, ફરજ તરફની અડગ નિષ્ઠા અને તેમની પોતાની સુરક્ષાને આખરી ગણવાની ભારતીય ભૂમિસેનાની સર્વોચ્ચ પરંપરાને જાળવવા માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.
મેજર ધનસિંહ થાપા
જન્મ: ૧૦ જુન ૧૯૨૮ સિમલા, હિમાચલ પ્રદેશ
મૃત્યુઃ ૬ સપ્ટેમ્બર ૨૦૦૫ (ઉંમર ૭૭ વર્ષ)સર્વિસ/ શાખા: ભારતીય સેના
સેવા ના વર્ષ: ૧૯૪૯-૧૯૭૫
પદ: મેજર
રેજીમેન્ટઃ ૧ લી બટાલીયન, ૮ મી ગુરખા રાઈફલ
યુદ્ધ કારકિદી:
ચીન-ભારત યુદ્ધ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વહસ્તે)
લેફ્ટનન્ટ કર્નલ ધન સિંઘ થાપા ભારતીય ભૂમિસેનાની ૮મી ગોરખા રાઈફલ્સની ૧લી બટાલિઅનમાં અફસર હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.
ધન સિંઘ થાપાનો જન્મ સિમલા, હિમાચલ પ્રદેશ ખાતે નેપાળ મૂળના માતા પિતાથી થયો હતો. તેમના પિતાનું નામ પી. એસ. થાપા હતું. તેમને ૨૮ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ ૮મી ગુરખા રાઈફલ્સમાં નિયુક્તિ અપાઈ હતી.
તેઓ ભારત ચીન યુદ્ધ દરમિયાન લડાખમાં મોટી લડાઈનો ભાગ બન્યા હતા. લડાખમાં પાનગોન્ગ સરોવરની ઉત્તરે આવેલ સિરિજાપની ખીણ ચુસુલ હવાઈમથકના રક્ષણ માટે મહત્ત્વની ગણાતી હતી. ચીની ઘૂસણખોરીને મારી હટાવવા માટે ૧/૮ ગુરખા રાઈફલ્સની ચોકીઓ ત્યાં આવેલી હતી. તેમાંની એક સિરિજાપ-૧ નામની ચોકી 'સી' કંપની જે સિંઘની આગેવાની હેઠળ હતી તેની એક પ્લાટુન સંભાળતી હતી. તેના પર ચીની સૈનિકોએ ૨૦ ઓક્ટોબર ૧૯૬૨ના રોજ હુમલો કર્યો.
મેજર થાપા અને તેમના સૈનિકોએ હુમલો નિષ્ફળ બનાવ્યો અને દુશ્મનોને મોટી સંખ્યામાં મારી નાખ્યા. ફરીથી તોપખાના અને મોર્ટાર વડે ગોળીબાર કર્યા બાદ વધુ સંખ્યામાં ચીની સૈનિકોએ હુમલો કર્યો.
ફરીથી મેજર થાપાએ હુમલાખોરોને મારી હટાવ્યા અને ચીનીઓનું મોટા પ્રમાણમાં નુક્શાન કર્યું. થોડા સમય બાદ ચીની સૈનિકોએ ત્રીજો હુમલો કર્યો જેમાં પાયદળની સાથે રણગાડીઓ પણ હતી. જ્યારે ચીનીઓ ચોકી સુધી પહોંચી ગયા ત્યારે મેજર થાપા પોતાની ખાઈમાંથી બહાર કૂદી પડ્યા અને હાથોહાથની લડાઈમાં અનેક દુશ્મનોને મારી નાખ્યા. થોડા સમયની લડાઈ બાદ દુશ્મનોએ તેમને પકડી લીધા.
આ બહાદુરીના પ્રદર્શન માટે તેમને ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર વડે તેમને સન્માનિત કરવામાં આવ્યા. તે સમયે એવું મનાયું કે તેઓ લડાઈમાં શહીદ થયા છે અને તેને કારણે તેમને અપાયેલ મૂળ સંદર્ભમાં તે પ્રમાણેનો ઉલ્લેખ હતો.
પરંતુ બાદમાં જાણમાં આવ્યું કે તેમને યુદ્ધકેદી તરીકે પકડવામાં આવ્યા છે. તેમને બાદમાં છોડી દેવાયા અને તેમણે તેમની લશ્કરી કારકિર્દી ચાલુ રાખી અને લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા.
ભારતીય શિપિંગ કોર્પોરેશને તેમના એક જહાજને મેજર ધન સિંઘ થાપા, પીવીસી નામ આપી તેમને સન્માનિત કર્યા.
સુબેદાર જોગીન્દર સિંહ
જન્મ: સપ્ટેમ્બર ૨૬, ૧૯૨૧ મોગા, પંજાબ
શહાદતઃ ઓક્ટોબર ૨૩, ૧૯૬૨ (ઉંમર ૪૧ વર્ષ)
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૩૬-૧૯૬૨
પદ: સુબેદાર
શિખ રેજીમેન્ટ:
૧ લી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ
યુદ્ધ કારકિર્દી:
ચીન-ભારત યુદ્ધ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ સમયે સુબેદાર જોગીન્દર સિંહ નેફા વિસ્તારમાં તવાંગ ખાતે એક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ બુમ લા ધુરી પર તોન્ગપેન લા ખાતે એક ટેકરી પર રક્ષણાત્મક ચોકી પર હતા ત્યારે તેમની ટુકડીએ સરહદની બીજી તરફ ૨૦ ઓક્ટોબરના રોજ મોટી સંખ્યામાં ચીની સૈનિકોને જોયા. તેઓ ઓક્ટોબર ૨૩ના રોજ બુમલા ઉપર થનારા હુમલાની સામે તૈયારી કરી રહ્યા હતા.ઓક્ટોબર ૨૩એ સવારના ૫.૩૦ વાગ્યે ચીની સૈનિકોએ બુમ લા ધુરી પર મોટી સંખ્યામાં હુમલો કર્યો.તેમનો ઇરાદો તવાંગ સુધી પ્રતિરોધ ખતમ કરી પહોંચવાનો હતો. ચીની સૈનિકોએ ટેકરી પર ત્રણ તબક્કામાં હુમલો કર્યો અને દરેક ટુકડીમાં આશરે ૨૦૦ સૈનિકો હતા. હુમલાને અન્ય હથિયારો સાથે સાથે મોર્ટાર અને તોપખાનાની મદદહતી. પરંતુ શીખ ટુકડીના સખત વિરોધને કારણે ચીની સૈનિકોએ મોટી જાનહાનિ સાથે પાછા હટવું પડયું. પરંતુ તેઓએ તુરંત જ ફરીથી તૈયાર થઈ અને તોપખાનાની મદદથી હુમલો કર્યો.
આગળ વધતા દુશ્મન સામે સુબેદાર જોગીન્દર સિંહ અને તેમની ટુકડી ખડક બનીને અને ઉભી રહી. આ ભીષણ સંઘર્ષમાં ટુકડીએ તેના અડધો અડધ સૈનિકો ખોયા, પરંતુ લડવાની ઇચ્છાશક્તિ ગુમાવી નહીં. સુબેદાર જોગીન્દર સિંહને સાથળમાં જખમ થવા છતાં પાછા હટવાની ના પાડી. તેમની ટુકડીએ પણ ચીની સૈન્ય સામેથી હટવાની ના પાડી. ચીની સૈન્યના હુમલા આગલા હુમલાઓ કરતાં વધુ શક્તિશાળી અને કૃતનિશ્ચયી બનતા ગયા. સુબેદાર જોગીન્દર સિંહે આશરે ૫૨ દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા.
પરંતુ તેઓ એકલે હાથે ચીની સૈનિકોના ધસારાને રોકી ન શક્યા. ચીની સૈનિકો જાનહાનિને ગણકાર્યા સિવાય આગળ વધતા ગયા. અત્યાર સુધીમાં ભારતીય ટુકડીની તમામ ગોળીઓ વપરાઈ ચુકી હતી. જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે જોગીન્દર સિંહ અને તેમના સાથીઓ સંગીન લગાવી “જો બોલે સો નિહાલ, સત્ શ્રીઅકાલ" ના યુદ્ધનારા સાથે ખાઈમાંથી બહાર કૂદી પડયા અને સંગીન વડે ઘણા દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા.
અંતે ચીની સૈનિકોના આધુનિક હથિયારો અને સાંખ્યિક દૃષ્ટિએ બહુમતી સફળ થઈ અને સુબેદાર સિંહ બંદી બન્યા.
લડાઈમાં થયેલા જખમો અને હિમડંખને કારણે તેઓ ચીની કબ્જામાં મૃત્યુ પામ્યા. તેમના પ્રેરણાદાયક નેતૃત્વ, અડગ વીરતા અને ફરજની સર્વોચ્ચ ભાવના માટે સુબેદાર જોગીન્દર સિંહને મરણોપરાંત પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા
મેજર સૈતાનસિંઘ
જન્મ: ડિસેમ્બર ૧, ૧૯૨૪ જોધપુર, રાજસ્થાન
શહાદત: નવેમ્બર ૧૮, ૧૯૬૨ (ઉંમર ૩૭ વર્ષ) રેજાંગ, જમ્મુ અને કાશ્મીર
સર્વિસ/ શાખા: ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૪૯-૧૯૬૨
પદઃ મેજર
રેજીમેન્ટ: ૧૩ મી બટાલીયન, કુમાઉ રેજીમેન્ટ
યુદ્ધ કારકિર્દી:
ચીન-ભારત યુદ્ધ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૧૯૬૨ના ભારત ચીન યુદ્ધમાં તેઓ ૧૩મી બટાલિઅન, કુમાઉં રેજિમેન્ટમાં 'સી' કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની ટુકડીમાં મોટાભાગના સૈનિકો રેવારી જિલ્લો, હરિયાણાના હતા. તેઓ જમ્મુ અને કાશ્મીરના લડાખના દક્ષિણ પૂર્વમાં યુસુલ ખીણ પાસે રેઝાંગ લાના ઘાટ પર વ્યૂહાત્મક જગ્યાનું રક્ષણ કરી રહ્યા હતા. તેમની ચોકી ૫,૦૦૦ મિટરની ઉંચાઈ પર હતી. તેમની કંપનીનો વિસ્તાર ત્રણ પ્લાટુન સંભાળી રહી હતી અને આજુબાજુનો વિસ્તાર અને ભૂપૃષ્ઠ તેમને મુખ્ય બટાલિઅનથી અલગ પાડતું હતું. રેઝાંગ લા પરનો અપેક્ષિત ચીની હુમલો ૧૮ નવેમ્બરની સવારમાં આવ્યો. તે સમયે ખૂબ જ ઠંડી હતી અને હિમવર્ષા થઈ રહી હતી. ઘાટીમાંથી ફૂંકાઈ રહેલી હવા બર્ફીલી તેમ જ અતિ ઠંડી હતી. રેઝાંગ લા પર કુદરતી કારણોને અવગણતાં સૌથી મોટી નબળાઈ એ હતી કે અડચણરૂપ પહાડને કારણે ભારતીય તોપખાનાના કાર્યક્ષેત્રની બહાર તે રહેતી હતી. તેને કારણે તેઓએ મોટી તોપોની મદદ વગર જગ્યાનું રક્ષણ કરવાનું હતું. સવારે મોસુઝણા વખતે ચીની સૈનિકો પ્લાટુન ૭ અને ૮ પર હુમલો કરવા માટે આગળ વધતા દેખાયા.
ભારતીય સૈનિકોએ ચીની હુમલા સામે રક્ષણ માટે તૈયાર કરેલી જગ્યાઓ સંભાળી લીધી. સવારે ૫ વાગ્યે થોડો ઉજાસ થતાં બંને પ્લાટુને ચીની સૈનિકો પર રાઈફલ, હળવી મશીનગન, હાથગોળા અને મોર્ટાર વડે ગોળીબાર શરૂ કર્યો. જો કે ભારત તરફથી ભારે તોપોનો ઉપયોગ ન કરી શકાયો. પ્લાટુન આગળનું નાળું મૃત શરીરોથી ભરાઈ ગયું અને બચી ગયેલા સૈનિકોએ ખડકો પાછળ આડ લીધી. ચીની સૈનિકોનો પ્રથમ સીધો હુમલો નિષ્ફળ જવા છતાં તેઓ નિરાશ ન થયા. આશરે સવારે ૫.૪૦ વાગે તેમણે ભારતીય ચોકીઓ પર ભારે તોપો અને મોર્ટાર વડે હુમલો કર્યો. ત્યારબાદ તુરંત જ આશરે ૩૫૦ ચીની સૈનિકોએ નાલા વાટે આગળ વધવાનું શરૂ કર્યું. આ વખતે ૯ નંબર પ્લાટુને જેવા ચીની સૈનિકો ૯૦ મિટર દૂર રહ્યા હતા ત્યારે ભારતીય સૈનિકોએ એટલા હથિયારો વડે હુમલો કર્યો અને ફરીથી નાલામાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો જે મુખ્યત્વે ચીની સૈનિકોના હતા.
સીધા હુમલામાં નિષ્ફળ જતાં આશરે ૪૦૦ દુશ્મન સૈનિકોએ કંપની પર પાછળથી હુમલો કર્યો અને તે જ સમયે મધ્યમ મશીનગનથી ૮ નંબર પ્લાટુન પર હુમલો કર્યો. આ હુમલામાં સેનિકો કાંટાળી વાડ સુધી આવી ગયા પણ આગળ ન વધી શક્યા. ચીની સૈનિકોએ ભારે તોપ અને મોર્ટાર વડે હુમલો ચાલુ રાખ્યો. ૧૨૦ ચીની સૈનિકો નંબર ૭ પ્લાટુન તરફ ધસી ગયા. જો કે ભારતીય સેનાની ૩ ઇંચ મોર્ટારે તેમાંથી ઘણાખરાને મારી નાખ્યા. જ્યારે ૨૦ બચેલા સૈનિકોએ હુમલો કર્યો ત્યારે લગભગ ડઝન કુમાઉં સૈનિકો છાવણીમાંથી બહાર ધસી ગયા અને હાથોહાથની લડાઈ શરૂ થઈ ગઈ. ૭ નંબર પ્લાટુન સંપૂર્ણ રીતે ઘેરાઈ ગઈ જોકે તેઓ છેલ્લા સૈનિક સુધી બહાદુરીથી લડ્યા અને તમામ શહીદ થયા. નંબર ૮ પ્લાટુન પણ છેલ્લી ગોળી સુધી બહાદુરી પૂર્વક લડી.
સિંઘે રેઝાંગ લાની લડાઈમાં અદ્ભુત નેતૃત્વ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું. તમામ દૃષ્ટિએ તેમણે પોતાના સૈનિકોનું ઉત્કૃષ્ટ રીતે નેતૃત્વ કર્યું. તેઓએ પોતાની સલામતીનું ધ્યાન રાખ્યા વિના એક પ્લાટુનથી બીજી પ્લાટુન જવાનું ચાલુ રાખ્યું અને લડવા માટે સૌને પ્રેરિત કર્યા.
શ્રી સિંઘને આ શૌર્યતા માટે પરમવીર ચક્ર (મરણોત્તર) એનાયત થયેલ.
હવાલદાર અબ્દુલ હમીદ
જન્મઃ ૧ જુલાઈ ૧૯૩૩ ધરમપુર, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ
શહાદતઃ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ (ઉંમર ૩૨ વર્ષ) ઇછોલગીરી ખાતે
સર્વિસ/ શાખા: ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૫૪-૧૯૬૫
પદ: કંપની ક્વાર્ટર માસ્ટર
રેજીમેન્ટ: ૪ ગ્રેનેડીયર્સ
યુદ્ધ કારકિર્દી:
ચીન-ભારત યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૬૫
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર) સમર સેવા મંડળ, રક્ષા મેડલ, સૈન્ય સેવા મેડલ
૮ સપ્ટેમ્બરે પાકિસ્તાની સેનાએ ૪થી ગ્રેનેડિયરના વિસ્તારમાં બળ માપવા અનેક નાના હુમલા કર્યા. બટાલિઅનના રિકોઈલલેસ હથિયાર તેમજ સ્વયંચલિત હથિયાર કંપનીના અફસરો લેફ્ટનન્ટ એચ. આર. જાહનુ અને સેકન્ડ લેફ્ટનન્ટ વી. કે. વૈધએ અસરકારક રીતે ગોઠવ્યા હતા. તે જ દિવસે અબ્દુલ હમીદે બે પાકિસ્તાની પેટન્ટ રણગાડીઓનો નાશ કર્યો. તેમાંથી એકના આગેવાને રણગાડી નષ્ટ થતાં પહેલાં હમીદની પાસે દિશા માટે મદદ માગી.
૧૦ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ સવારે ૮ વાગ્યે એક પાકિસ્તાની બટાલિઅને તોપખાનાની મદદ વડે ૪થી ગ્રેનેડિયર ઉપર હુમલો કર્યો પરંતુ તેઓ ભારતીય રક્ષાત્મક સ્થાનોને પારખવામાં નિષ્ફળ રહ્યા.
હુમલા પહેલાં ભારે માત્રામાં તોપમારો કરવામાં આવ્યો જેનાથી ભારતીય રક્ષાત્મક ચોકીઓ નબળી પડે. સવારે ૯ વાગ્યે દુશ્મન રણગાડીઓ આગળની ચોકીઓ ભેદવામાં સફળ રહી. આ ઝપાઝપીમાં હમીદે એક પેટન્ટ ટેન્કનું જૂથ પોતાની કંપની તરફ આગળ વધતું જોયું.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ એક છેડા તરફ પોતાની રિકોઈલલેસ તોપ જીપ પર લઈને ગયા. મોટા પ્રમાણમાં દુશ્મન તરફથી કરાતી ગોળી બારી અને રણગાડીઓના ગોળાબારીએ પણ તેમને ડગાવ્યા નહીં. તેમણે સતત ગોળીબાર ચાલુ રાખ્યો અને ત્રણ પેટન્ટ રણગાડીઓનો નાશ કર્યો.
પરંતુ ચોથી રણગાડીનો નાશ કરી શકે તે પહેલાં તેના ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું.
ભારતીય તોપખાના, રણગાડીઓ અને પાયદળના રણગાડી વિરોધી ટુકડીની સફળ કાર્યવાહીએ પેટન્ટ રણગાડી ૨-૪૮ ની પ્રતિષ્ઠા બગાડી નાખી અને ૧૯૬૫ના યુદ્ધ બાદ તેની જગ્યાએ મોટાભાગે એમ-૬૦નો સમાવેશ કરવામાં આવ્યો. ભારતે ખેમ કરણ જિલ્લામાં "પેટન્ટ નગર" નામે સ્મારક બનાવ્યું જેમાં કબ્જે કરેલ પાકિસ્તાની પેટન્ટ રણગાડીઓ પ્રદર્શન માટે મૂકી.
લેફ. કર્નલ અરદેશીર તારાપોર
જન્મ: ઓગષ્ટ ૧૮, ૧૯૨૩ મુંબઈ
શહાદતઃ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૫ (ઉંમર ૪૨ વર્ષ) ચાવીંડા, પાકિસ્તાન
સર્વિસ/ શાખાઃ હૈદરાબાદ આર્મિ, ભારતીય સેના
સેવા ના વર્ષ: ૧૯૪૦-૧૯૫૧ (હૈદરાબાદ આમિ) ૧૯૫૧-૧૯૬૫ (ભારતીય સેના)
પદ: લેફ. કર્નલરેજીમેન્ટ: ૧૭મી પુના હોર્સ
યુદ્ધ કારકિર્દી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૬૫
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
સપ્ટેમ્બર ૧૧, ૧૯૬૫ના રોજ ૧૭પૂના હોર્સે પાકિસ્તાન સામેની ચાવીંદાની લડાઈ દરમિયાન સિયાલકોટ વિસ્તારમાં આવેલ ફ્લિોરા પર હુમલો કર્યો. દક્ષિણ દિશામાંથી કરેલો હુમલો તારાપોરની આગેવાની હેઠળ હતો અને તે જમણી તરફે આગળ વધ્યા. ફિલોરા અને ચાવીંદા વચ્ચે વઝીરવાલી તરફથી પાકિસ્તાની સૈન્યના ભારે તોપના હુમલા સાથે તે આમને સામને આવ્યા.
તારાપોરે પીછેહઠ ન કરી અને ફિલોરા ઉપર દુશ્મન રણગાડીઓ અને તોપખાનાના સતત ગોળાબારૂદ વચ્ચે હુમલો કર્યો. તેઓ ઘાયલ થવા છતાં બચાવ માટે સ્પષ્ટ ના પાડતા રહ્યા.
તેમણે પોતાની ટુકડીનું નેતૃત્વ કરી અને ૧૪ સપ્ટેમ્બરે વઝીરવાલી અને ૧૬ સપ્ટેમ્બરે બુટુર-ડોગરાન્ડી કબ્જે કર્યા.
તેમની પોતાની રણગાડી પર અનેક ગોળાઓ પડવા છતાંય તેઓ ડગ્યા નહીં અને પાયદળને ચાવીંદા પર હુમલો કરવા માટે સહાય કરતા રહ્યા. તેમના નેતૃત્વથી પ્રેરિત થઈ અને તેમની ટુકડીએ પાકિસ્તાની રણગાડીઓ પર હુમલો કર્યો અને આ શરે ૬૦ પાકિસ્તાની રણગાડીઓનો નાશ કર્યો. તેમની ટુકડીએ માત્ર ૯ જ રણગાડી ગુમાવી. જોકે આમાં તારાપોરેની રણગાડીનો પણ સમાવેશ થતો હતો અને તેઓ પોતે શહીદી પામ્યા.
લાન્સ નાયક આલ્બર્ટ એક્કા
જન્મઃ ડીસેમ્બર ૨૭, ૧૯૪૨ જરી, ગુમલા, બિહાર
શહાદત: ડીસેમ્બર ૩, ૧૯૭૧ (ઉંમર ૨૮ વર્ષ) ગંગાસાગર, બાંગ્લાદેશ
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૬૨-૧૯૭૧
પદઃ લાન્સ નાયક
રેજીમેન્ટ: ૧૪ ગાર્ડ્સ બટાલિયન
યુદ્ધ કારકિર્દી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
લાન્સ નાયક આલ્બર્ટ એક્કા પૂર્વીયતટે ગંગાનગર ક્ષેત્રમાં દુશ્મન ઉપર (પાકિસ્તાન) કરાયેલા હુમલામાં બ્રીગેડ ઓફ ગાર્ડસની 'લેફ્ટ ફોરવર્ડ કંપની' માં હતા.
દુશ્મન સૌન્યદ્વારા આ વ્યુહાત્મક અને સૌથી મજબૂત અને પૂર્વિનર્ધારિત યોજના પ્રમાણેની સ્થિતિ હતી. સામનો કરી રહેલા ભારયીત સૈનિક દળો ઉપર ભીષણ ગોળીબાર અને નાના મોટા યુધ્ધ હથિયારો દ્વારા હુમલા થઈ રહ્યા હતા. પરંતુ ભારતીય દળોએ બહાદુરીપૂર્વક સામનો કર્યો. પ્રત્યક્ષ હાથાપાઈના યુધ્ધમાં સપડાયા.
લાન્સ નાયક આલ્બર્ટ એક્કાના ધ્યાન ઉપર આવ્યું કે દુશ્મનની એક લાઈટ મશીન ગન (LMG) તેમના દળ ઉપર ગોળીબાર કરીને સૈનિકોને મોતને ઘાટ ઉતારી રહી છે. પોતાના જીવનની સહેજ પણ ચિંતા કર્યા વગર એણે દુશ્મનના બંકર ઉપર ભીષણ હુમલો કર્યો. દુશ્મનના બે સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા અને LMG ને શાંત પાડી દીધી. તે પોતે આ યુધ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, છતાં પણ પોતાના સાથી સૈનિકોની સાથે એક માઈલ અંદર ઘુસ્યા ત્યાં સુધી સતત લડતા રહ્યાં અને માર્ગમાં આવતાં કેટલાય બંકરોનો હિંમતપૂર્વક નાશ કર્યો.
મોરચાના ઉત્તર છેડે, દુશ્મનની એક મધ્યમ મશીન ગન (MMG) એ એક મકાનના બીજામાળેથી ભયંકર ગોળીબાર શરૂ કર્યો અને કેટલાય સૈનિક શહીદ થયા પરંતુ બહાદુરીપૂર્વક મોરચો સંભાળ્યો. ફરીથી એક વખત આ જવાંમર્દ સૈનિકે, પોતાના જીવની પરવા કર્યા વગર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં દુશ્મનના ભયંકર ગોળીબારની વચ્ચે ઢસડાતા ઢસડાતા આગળ વધ્યા અને મકાન સુધી પહોંચીને એક ગ્રેનેડ ફેંકીને બંકરનો નાશ કર્યો અને એક દુશ્મન સૈનિકને પણ ઢાળી દીધો અને બીજાને ગંભીર રીતે ઘાયલ કર્યો.
હજીપણ (MMG) માંથી સતત ગોળીબાર ચાલુ જ હતો. અતિ ઉત્કૃષ્ઠ શૌર્ય ને દૃઢ નિશ્ચય સાથે લાન્સ નાયક આલ્બર્ટ એક્કા મકાનની એક દિવાલમાં બાકોરૂ પાડીને એક બીજા બંકરને પણ તોડી પાડ્યું અને મશીન ગનવાળા દુશ્મન સૈનિકને મારી નાંખીને ગોળીબાર બંધ કરાવ્યો, જેથી કરીને આગળ ભારતીય સૈન્યની ખુવારી રોકાઈ ગઈ, અને આ સૈન્ય ટુકડીને સફળતા મળી. આ આખીય પ્રક્રિયા દરમ્યાન તે પોતે ગંભીર રીતે ઘાયલ થયા અને દુશ્મન છાવણીને કબજે કર્યા પછી શહાદતને વર્યા.
આ હુમલા દરમિયાન લાન્સ નાયક આલ્બર્ટ એક્કાએ અદમ્ય સાહસ, શૂરવીરતા અને ધૈર્યનું પ્રદર્શન કરીને ભારતીય સૈન્યની પરંપરા મુજબ વિજય હાંસલ કરીને શહાદત વ્હોરી.
ફલાઈંગ ઓફીસર નિર્મલ જીત સિંઘ સેખોં
જન્મઃ ૧૭ જુલાઈ, ૧૯૪૩ લુધિયાણા, પંજાબ
શહાદત: ૧૪ ડીસેમ્બર, ૧૯૭૧ (ઉંમર ૨૮ વર્ષ) શ્રીનગર, જમ્મુ કાશ્મીર
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૬૭-૧૯૭૧
પદઃ વિમાન ચાલક
રેજીમેન્ટ: ૧૮ સ્કવોડ્રન, ભારતીય વાયુ સેના
યુદ્ધ કારકિર્દી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ૧૮મી સ્ક્વોડ્રન "ધ ફ્લાઇંગ બુલેટ્સ"માં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ શ્રીનગર વિમાન મથક પરથી લડાયક વિમાન "નેટ” ઉડાડતા હતા.
૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શ્રીનગર વિમાન મથક પર પાકિસ્તાની વાયુસેનાના પેશાવર સ્થિત ૨૬ સ્ક્વોડ્રનના છ એફ-૮૬ વિમાનોએ હુમલો કર્યો. ફ્લાઈંગ ઓફિસર સેખાઁ તે સમયે ફરજ પર હતા. જેવો પ્રથમ વિમાને હુમલો કર્યો સેખોં બે નેટ વિમાનવાળી વ્યૂહરચનામાં બીજા નેટમાં હવામાં ઉડવા આગળ વધ્યા.
ફ્લાઈટ લેફ્ટનન્ટ ઘુમાન બીજા નેટ વિમાનમાં નેતૃત્વ કરતા હતા. જેવો શરૂઆતનો બોમ્બ રન વે પર પડયો તેઓ ઉડવામાટે આગળ વધ્યા. પ્રથમ નેટ હવામાં અદ્ધર થયું તેની પાછળ ધૂળ ઉડી જેણે ક્ષણવાર માટે સેખોંને પાછળ રાખી દીધા. પરંતુ તુરંત જ તેઓ પણ હવામાં હતા અને પાકિસ્તાનના બે સેબર વિમાન તરફતેઓ ઘસી ગયા..
બે નેટ જેવા હવામાં ચડ્યા તે સમયે જ નેતૃત્વ કરતા ઘુમાન, સેખોંના નેટને દૃષ્ટિમર્યાદામાંથી ખોઈ બેઠા અને બાકીની લડાઈ સેખોંને માટે એકલે હાથે લડવાની રહી. સેખોં એક સેબર પર સીધું જ નિશાન તાકવામાં સફળ રહ્યા. બીજાને પણ આગ ચાંપવામાં સફળ રહ્યા જે રાજૌરી તરફ ધૂમ્રસેર છોડતું જતું દેખાયું.
ત્યારબાદ સેખોંના વિમાન પર ગોળીઓ વાગી અને પરિસ્થિતિ જોતાં તેમને વિમાન મથક પર પાછા ફરવા સલાહ અપાઈ. એવું કહેવાય છે કે તેઓ થોડા સમય માટે વિમાનને સ્થિર કરવામાં સફળ થયા પરંતુ કદાચ નિયંત્રણ તંત્ર નિષ્ક્રિય થઈ જવાને કારણે વિમાન ઉલટું થયું અને નીચેની તરફ પડતું ગયું. આખરી ક્ષણે તેમણે વિમાનમાંથી બહાર ફેંકાવાની કોશિષ કરી જે નિષ્ફળ રહી. વિમાનનો કાટમાળ શ્રીનગર શહેરથી વિમાન મથક તરફ આવતા એક માર્ગ પાસેથી કોતરમાંથી મળ્યો.
ભારતીય ભૂમિસેના અને વાયુસેનાના અથાગ પ્રયત્નો છતાં તેમનું પાર્થિવ શરીર ક્યારેય પણ મળી ન શક્યું. આથી તેમના પત્ની અને પરિવાર ખૂબ જ નિરાશ થયો.
તેમની કાર્યવાહીની વિગતવાર માહિતી એર કંમાડર કૈસર તુફેલ દ્વારા લિખિત વૃત્તાંતમાંથી મળે છે.
તેમની આવડતના વખાણ તેમનું વિમાન તોડી પાડનાર સલીમ મિરઝા બેગ લિખિત એક લેખમાંથી મળે છે. તેમના દ્વારા ૧:૬ની વિષમતા સામે પ્રદર્શિત બહાદુરી, ઉડ્ડયન કલા અને નિર્ણયશક્તિ માટે તેમને ભારતનું યુદ્ધસમયનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું.
સેકન્ડ લેફટનન્ટ અરૂણ ખેતરપાલ
જન્મ: ૧૪ ઓક્ટોબર, ૧૯૫૦ પુણે, મુંબઈ સ્ટેટ
શહાદત: ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ (ઉંમર ૨૧ વર્ષ) બરપીન્દ, શકરગઢ
સર્વિસ/ શાખા: ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૭૧ (૬ મહિના)
પદ: 2nd લેફ્ટનન્ટ
રેજીમેન્ટ: ૧૭ મી પૂના હોર્સ
યુદ્ધ કારકિદી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૧૬ ડિસેમ્બરના રોજ સવારે ૮ વાગ્યે ધુમાડાની આડ હેઠળ જરપાલ ખાતે પાકિસ્તાનની રણગાડીઓએ તેમનો વળતો હુમલો કર્યો. પાકિસ્તાનના ૧૩ લાન્સરની અત્યાધુનિક અમેરિકી બનાવટ ની “પેટન્ટ" રણગાડીઓએ પૂના હોર્સની 'બી' ટુકડી પર હુમલો કર્યો. તે ટુકડીના આગેવાન અફસરે તુરંત મદદ માટે સંદેશ મોકલ્યો. અરૂણ ખેતરપાળ કે જેઓ 'એ' ટુકડી સાથે નજીકમાં જ હતા તેમણે તેમની 'સેન્ચુરીઅન ' રણગાડી સાથે તુરંત જ મદદે આવ્યા. પ્રથમ હુમલો ભારતીય રણગાડી સેના અને તેના વ્યક્તિગત રણગાડી નેતાઓની શાંતિપૂર્વકની નિશાનેબાજીએ નિષ્ફળ બનાવ્યો. ૧૩ લાન્સરે વધુ બે હુમલા કર્યા અને આખરી હુમલામાં તેઓ ભારતીય હરોળ ભેદવામાં સફળ થયા.
ખેતરપાળ તે તરફ ધસી ગયા અને સીધા જ પાકિસ્તાની હુમલાખોરો પર જઈ ચડયા. તેમની રણગાડીઓની મદદથી તેઓ દુશ્મનોને આગળ વધતા અટકાવી શક્યા. પરંતુ તેમની બીજી રણગાડીનો આગેવાન આ હુમલામાં શહીદ થયો. એકલા પડી જવા છતાં ખેતરપાળે દુશ્મનો પર હુમલો ચાલુ રાખ્યો. દુશ્મનો પણ બહાદુરી પૂર્વક લડ્યા અને ભારે નુક્શાન છતાં પાછળ ન હટ્યા. અત્યાર સુધી મળેલ નિષ્ફળતાથી નિરાશ થઈ ને ખેતરપાળે ઝનૂનપૂર્વક પાકિસ્તાનીઓ તરફ હુમલો કર્યો અને એક રણગાડીને તોડી પાડી. જોકે પાકિસ્તાનીઓ પણ ફરી ફરી ને હુમલા કરતા રહ્યા. લેફ્ટનન્ટ ખેતરપાળે તેમની બાકી બચેલી બે રણગાડીની મદદથી ૧૦ દુશ્મન રણગાડીઓનો ખાત્મો બોલાવ્યો,
આ લડાઈમાં દુશ્મનો લેફ્ટનન્ટની રણગાડીનું નિશાન સાધવામાં સફળ રહ્યા. તેમ છતાં તેમણે પોતાની રણગાડી છોડી નહી. તેમની કાર્યવાહીને કારણે પાકિસ્તાની સૈન્યને હરોળ ભેદવાનો મહત્વનો ફાયદો નકામો બન્યો અને પાકિસ્તાની તરફે પરિસ્થિતિ મજબૂત બનાવવાને બદલે ભારતીય સ્થિતિ મજબૂત બની. તેમના ઉપરી અધિકારીએ તેમને પાછા હટવા અને રણગાડી છોડવા આદેશ આપ્યો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે "ના સાહેબ, હુ મારી રણગાડી નહીં છોડું અને મારી ગન કામ કરે છે. આ હરામખોરોને મારીને રહીશ.”ત્યારબાદ તેમણે એક પછી એક પાકિસ્તાની રણગાડીઓ ને ઉડાવવાની શરૂઆત કરી.
છેલ્લી રણગાડી જે તેમણે ઉડાવી તે તેમનાથી ફક્ત ૧૦૦ મિટર જ દૂર હતી. આ સમયે તેમની રણગાડી પર બીજો ગોળો પડ્યો અને તેઓ જીવલેણ રીતે ઘાયલ થયા. ખેતરપાળ પાકિસ્તાની સૈન્યને જોઈતા ફાયદાને નકારતાં શહીદી પામ્યા. તેમનું પાર્થિવ શરીર અને તેમની રણગાડી "ફામાગુસ્તા” પાકિસ્તાનીઓએ કબ્જે કરી અને બાદમાં ભારતીય સૈન્યને પાછી આપી. આ રણગાડી આજે દર્શકો માટે ઉપલબ્ધ છે.
દુશ્મનો સામે દર્શાવેલ અદમ્ય બહાદુરી માટે ખેતરપાળને યુદ્ધસમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.
અરૂણ ખેતરપાળને ૧૭ ડિસેમ્બરના રોજ સામ્બા જિલ્લા નજીક અગ્નિદાહ અપાયો અને તેમના અસ્થિ તેમના પરિવારને મોકલી અપાયાં જેમને તેમના મૃત્યુની ૨૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ જાણ થઈ.
કર્નલ હોશિયાર સિંહ
જન્મઃ ૫ મે, ૧૯૩૭ સીસાના સોનીપત, હરિયાણા
મૃત્યુઃ ડીસેમ્બર ૬, ૧૯૯૮ (ઉંમર ૬૧ વર્ષ)
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૬૩
પદઃ કર્નલ
રેજીમેન્ટ: ૩ જી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ
યુદ્ધ કારકિર્દી:
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૬૫ ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વહસ્તે)
કર્નલ હોશિયાર સિંહ દહિયાનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના સીસાના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી હીરા સિંહ હતું. તેઓ ભારતીય ભૂમિસેનામાં અધિકારી હતા. તેમને ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા.
હોશિયાર સિંહ સાતમા ધોરણમાં હતા ત્યારે તેમના લગ્ન ધન્નો સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો હતા. તેઓ જાટ કોલેજમાં રોહતક ખાતે ભણ્યા હતા અને ત્યારબાદ ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
તેઓ ૩૦ જૂન ૧૯૬૩ના રોજ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં ભરતી થયા હતા.તેમને પ્રથમ નિયુક્તિ નેફા ખાતે મળી હતી. તેઓ ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં રાજસ્થાન વિસ્તારમાં હતા અને તેમણે લડાઈમાં ભાગ લીધો હતો.
૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૩ ગ્રેનેડિયર્સને શકરગઢ વિસ્તારમાં ૧૫-૧૭ ડિસેમ્બર દરમિયાન બસન્તર નદી ઉપર પુલ બાંધવાનું કાર્ય સોંપાયું. નદીની બંને તરફ પાકિસ્તાની સેનાની મજબૂત ચોકીઓ હતી અને બંને તરફ સુરંગક્ષેત્રો પણ હતાં. મેજર હોશિયાર સિંહ 'સી' કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમને જરપાલ કબ્જે કરવાનું લક્ષ્યાંક અપાયું. પાકિસ્તાની સૈન્યએ આનો વળતો જવાબ આપ્યો અને મોટા પ્રમાણમાં વળતો હુમલો કર્યો. તેઓ એક ખાઈથી બીજી ખાઈમાં પોતાના સૈનિકોનો ઉત્સાહ વધારતા ગયા અને તેના પરિણામે ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના તમામ હુમલા પાછા હટાવ્યા અને પાકિસ્તાની સૈન્યએ મોટાપ્રમાણમાં જાનહાનિ વેઠવી પડી. તેઓ ગંભીર રીતે ઘાયલ થવા છતાં લડાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેજર હોશિયાર સિંહે ત્યાંથી હટવાની ના પાડી. સમગ્ર કાર્યવાહી દરમિયાન મેજર સિંહે અપ્રતિમ વીરતા, લડવાનો જુસ્સો અને નેતૃત્વ શક્તિ દર્શાવી ભારતીય સેનાની પરંપરા જાળવી. આ માટે તેમને પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.
કેપ્ટન બાના સિંઘ
જન્મ: ૩ જાન્યુઆરી, ૧૯૪૯ (ઉંમર ૬૮ વર્ષ) કડ્યાલ, જમ્મુ અને કાશ્મીર
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૬૯-૨૦૦૦
પદ: કેપ્ટન
રેજીમેન્ટ: ૮ જે. એન્ડ કે.
યુદ્ધ કારકિર્દી:
સિઆચિન, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન રાજીવ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વહસ્તે)
૧૯૮૭માં વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનો એવા સિઆચીન વિસ્તારમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી. તેમણે એક મહત્વની જગ્યા પર કબ્જો કર્યો અને તેને કૈદ પોસ્ટ (મહમદ અલી ઝીણા ના માનદ નામ કૈદ-એ-આઝમ પરથી) નામ આપ્યું. તે જગ્યાની ઉંચાઈ ૬૫૦૦ મીટર હતી અને તે સિઆચીન વિસ્તારનું સૌથી ઉત્તુંગ શિખર હતું. આ જગ્યા પરથી પાકિસ્તાનીઓ ભારતીય ચોકીઓ પર આસાનીથી નિશાન સાધી શકે તેમ હતા કારણ કે ઉંચાઈને કારણે આ સ્થળથી સંપૂર્ણ સંપૂર્ણ સાલ્ટોરો રેન્જ તેમજ સિઆચીન હિમનદીનો વિસ્તાર દેખાતો હતો. દુશ્મન ચોકી બંને તરફ બરફની ૪૫૭ મિટર ઊંચી દીવાલથી અભેધ કિલ્લા જેવી બની હતી.
૧૮ એપ્રિલ ૧૯૮૭ના રોજ પાકિસ્તાનીઓએ કૈદ ચોકી પરથી સોનમ પોઈન્ટ (૬૪૦૦ મિટર) નામની ભારતીય ચોકી પર ગોળીબાર કરી અને બે સૈનિકોને મારી નાખ્યા. ભારતીય સેનાએ ત્યારબાદ પાકિસ્તાનીઓને ત્યાંથી ખદેડવાનું નક્કી કર્યું. નાયબ સુબેદાર બાના સિંઘ ૨૦ એપ્રિલ ૧૯૮૭ના રોજ સિઆચીન ખાતે નિયુક્ત કરાયા હતા અને તેમની બટાલિઅનને કૈદ ચોકી કબ્જે કરવાની જવાબદારી સોંપાઈ હતી. ૨૯ મે ના રોજ તેમની જ બટાલિઅનના સેકન્ડ લેફ્ટનન્ટ રાજીવ પાંડેના નેતૃત્વ હેઠળ ચોકી કબ્જે કરવાની નિષ્ફળ કોશિષ કરાઈ જેમાં ૧૦ ભારતીય સૈનિકો શહીદ થયા. એક માસની તૈયારી પછી ઓપરેશન રાજીવ નામક (રાજીવ પાંડેના માનમાં) કાર્યવાહી કરી જેનું નેતૃત્વ મેજર વરિન્દર સિંઘને સોંપાયું.
૨૩ જુન ૧૯૮૭થી શરુઆત કરી અને વરિન્દર સિંઘની ટુકડીઓએ ચોકી કબ્જે કરવા અનેક હુમલાઓ કર્યા.
પ્રારંભિક નિષ્ફળતાઓ બાદ ૨૬ જુનના રોજ બાના સિંઘના નેતૃત્વ હેઠળની ૫ સભ્યો ધરાવતી ટુકડીએ કૈદ ચોકીને સફળતાપૂર્વક કબ્જે કરી. બાના સિંઘ અને તેમના સાથી સૈનિકોએ ૪૫૭ મિટર ઉંચી બરફની દિવાલ પર ચઢી ગયા જેમાં ચુનીલાલનો પણ સમાવેશ થતો હતો. તેમની ટુકડી કૈદ ચોકી પર અણધારી દિશા પરથી પહોંચી કારણ કે તેમની ટુકડીએ અન્ય ટુકડીઓ કરતાં લાંબો અને કઠણ માર્ગ લીધો હતો. તે સમયે બરફનું તોફાન પણ હતું જેને કારણે દૃષ્ટિમર્યાદા બહુ ઓછી હતી અને તેને કારણે ભારતીય સૈનિકોને છુપાવા માટે જગ્યા મળી. શિખર પર પહોંચ્યા બાદ બાના સિંઘે જોયું કે ત્યાં માત્ર એક જ પાકિસ્તાની બંકર હતું જેમાં તેમણે હાથગોળો ફેંકી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. જેથી અંદર રહેલા તમામ લોકો માર્યા ગયા. બંને પક્ષે ત્યારબાદ હાથોહાથની લડાઈ શરૂ થઈ જેમાં ભારતીય સૈનિકોએ કેટલાક દુશ્મન સૈનિકોને બંકર બહાર સંગીન વડે મારી નાખ્યા. કેટલાક પાકિસ્તાનીએ શિખર પરથી છલાંગ પણ લગાવી. અંતે ભારતીયોએ છ પાક. સૈનિકોના મૃત શરીર કબ્જે કર્યા.
૨૬ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ બાના સિંઘને ઓપરેશન રાજીવ દરમિયાન બહાદુરી બતાવવા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું. તેમના માનમાં કબ્જે કરાયેલ શિખરને બાના ટોપ નામ અપાયું. કારગિલ યુદ્ધ સમયે તેઓ એકમાત્ર પરમવીર ચક્ર વિજેતા હતા જેઓ હજુ પણ સેનામાં કાર્યરત હતા.
મેજર રામાસ્વામી પરમેશ્વરન
જન્મ: ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૬
શહાદતઃ ૨૫ નવેમ્બર, ૧૯૮૭ (ઉંમર ૪૧ વર્ષ) શ્રીલંકા
સર્વિસ/ શાખા: ભારતીય સેનાસેવા ના વર્ષ: ૧૯૭૨-૧૯૮૭
પદ: મેજર
રેજીમેન્ટ: ૮ મી બટાલીયન, મહાર
યુદ્ધ કારકિર્દી:
શ્રીલંકા આંતર વિગ્રહ ઓપરેશન પવન
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેઓ મહાર રેજિમેન્ટમાં ટૂંકા ગાળાની સેવા હેઠળ ૧૬ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ લશ્કરમાં જોડાયા હતા. તેઓ એ ભારતીય ભૂમિસેના દ્વારા કરાયેલ અનેક કાર્યવાહીમાં જોડાયા હતા. તેમને વીરતા માટે ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરાયો હતો.
૨૫ નવેમ્બર ૧૯૮૭ના રોજ શ્રીલંકા ખાતે મોડી રાત્રે એક શોધખોળ કાર્યવાહીમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે તેમની ટુકડી પર આતંકવાદીઓએ છુપાઈને હુમલો કર્યો. તેઓએ માનસિક સમતુલા જાળવી અને આતંકવાદીઓને પાછળથી ઘેરી લીધા અને તેમના પર હુમલો કરી દીધો, આનાથી આતંકવાદીઓ ગભરાઈ ગયા. હાથોહાથની લડાઈમાં એક આતંકવાદીએ તેમને છાતી પર ગોળી મારી તેમ છતાં પાછા હટ્યા વિના તેમણે આતંકવાદીની બંદુક છીનવી લીધી અને તેના વડે જ તેને ઠાર માર્યો. ગંભીર ઈજાઓ થવા છતાં તેઓ પોતાની ટુકડીને દોરવણી આપતા રહ્યા અને પ્રોત્સાહિત કરતા રહ્યા. છેવટે જખ્મોને લીધે તેઓ શહીદ થયા. આ લડાઈમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા અને ત્રણ બંદુક અને બે રોકેટ લોન્ચર કબજે કરાયા.
કેપ્ટન મનોજ કુમાર પાંડે
જન્મ: ૨૫ જુન, ૧૯૭૫, સીતાપુર, ઉત્તર પ્રદેશ
શહાદતઃ ૩ જુલાઈ, ૧૯૯૯ (ઉંમર ૨૪ વર્ષ) કારગિલ, જમ્મુ અને કાશ્મીર
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાપદ: કેપ્ટન
રેજીમેન્ટઃ ૧લી બટાલીયન, ૧૧ ગોરખા રાઈફલ
યુદ્ધ કારકિર્દી:
કારગિલ યુદ્ધ, ઓપરેશન વિજય
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
૩ જુલાઇ ૧૯૯૯ના રોજ બટાલિક વિસ્તારમાં તેમણે ઘૂસણખોરોને ખદેડી મુક્યા. તેમની દોરવણી હેઠળ તેમની સૈન્ય ટુકડીએ જુબેર ટોપ પર કબ્જો મેળવ્યો જે વ્યૂહરચનાની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું સ્થળ હતું.
પરિસ્થિતિને પામીને યુવા અધિકારી પોતાના સૈનિકોને સાંકડી કેડી વાટે દુશ્મન છાવણી તરફ દોરી ગયા અને ગોળીઓની ઝડી વચ્ચે પોતાના સૈનિકોથી આગળ વધી અને દુશ્મનો પર હુમલો કરી દીધો.
ખભા અને પગમાં ઈજાઓ થવા છતાં તેમનો એકલહથ્થો હુમલો દુશ્મનના પ્રથમ બંકર સુધી ન પહોંચ્યા ત્યાં સુધી દૃઢ નિશ્ચયથી ચાલુ રાખ્યો. ત્યારબાદ હાથોહાથની હિંસક લડાઈમાં તેમણે બે દુશ્મનોને મારી નાખ્યા અને પ્રથમ બંકર કબ્જે કર્યું.
લડાઈમાં આ ક્ષણ મહત્ત્વની સાબિત થઈ. તેમના નેતાની વીરતા અને બહાદુરી જોઈ ને સૈનિકો પણ જુસ્સાભેર આગળ વધ્યા અને દુશ્મનો પર હુમલો કરી દીધો. પોતાને થયેલ ગંભીર ઈજાઓને અવગણીને પાંડે એક થી બીજા બંકર સુધી પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કરતા ભાગતા રહ્યા. ગંભીર ઈજાઓને કારણે તેઓ છેલ્લા બંકર પાસે પડી ગયા અને શહીદ થઈ ગયા. પરંતુ આ સમય દરમિયાન તેમણે બંકર પર તેમના સૈનિકોની મદદથી કબ્જો મેળવી લીધો હતો
સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ
જન્મ: ૧૦ મે, ૧૯૮૦ (ઉંમર ૩૭ વર્ષ) બુલદ્શાહ, ઉત્તર પ્રદેશ
સર્વિસ/ શાખાઃ ભારતીય સેનાપદ: સુબેદાર
રેજીમેન્ટ: ૧૮ ગ્રેનેડીયર્સ
યુદ્ધ કારકિદી:
ઓપરેશન વિજય, બેટલ ઓફ ટાઇગર હિલ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વહસ્તે)
ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ ૧૮ ગ્રેનેડિયરની ઘાતક ટુકડીના સભ્ય હતા અને તેમને ૪ જુલાઈ ૧૯૯૯ ના રોજ ટાઈગર હિલ પર ત્રણ બંકરો કબ્જે કરવાનો આદેશ મળ્યો. બંકરો ૧૬,૫૦૦ ફુટની ઉંચાઈ પર બરફાચ્છાદિત શિખરો પર આવેલાં હતા. યાદવ હુમલાનું નેતૃત્વ કરવા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા. તેઓ ચઢાણ ચડી રહ્યા હતા અને વધુ હુમલા માટે દોરડાં ગોઠવી રહ્યા હતા ત્યારે દુશ્મન બંકરમાંથી ગોળીબારની શરૂઆત થઈ અને તેમની ટુકડીના વડા અને અન્ય બે સાથીઓ શહીદ થયા. આ જ સમયે તેમને પેટ અને ખભાના ભાગે ત્રણ ગોળીઓ વાગી હોવા છતાં તેઓ બાકીનું ૬૦ ફુટનું ચઢાણ ચડી ગયા અને શિખર પર પહોંચી ગયા. સખત રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેઓ પહેલા બંકરમાં પહોંચી ગયા અને ગ્રેનેડ ફેંકી ચાર પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા તથા દુશ્મનનો ગોળીબાર અટકાવી દીધો. તેના કારણે બાકીની ટુકડીને શિખર પર પહોંચવાનો મોકો મળી ગયો.
યાદવ તેમના બે અન્ય સાથીઓની મદદથી બીજા બંકર તરફ ધસ્યા અને હાથોહાથની લડાઈમાં ચાર પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા. બાદમાં ટુકડી ટાઈગર હિલ કબ્જે કરવામાં સફળ રહી. યાદવે દર્શાવેલ ઉદાહરણીય વીરતા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું.
યુદ્ધ પછી શરૂઆતમાં યાદવને પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું પરંતુ બાદમાં જાણમાં આવ્યું કે કાર્યવાહી દરમિયાન તેમના નામેરી શહીદ થયા છે તેઓ નહીં અને યાદવ ઇસ્પિતાલમાં સારવાર હેઠળ છે.
નાયબ સુબેદાર સંજય કુમાર
જન્મ: ૩ માર્ચ, ૧૯૭૬ (ઉંમર ૪૧ વર્ષ) કલોલબકૈન, બિલાસપુર, હિમાચલપ્રદેશ
સર્વિસ/ શાખા: ભારતીય સેનાપદ: નાયબ સુબેદાર
રેજીમેન્ટ: ૧૩મી બટાલીયન, જમ્મુ એન્ડ કાશ્મીર રાઈફલ્સ
યુદ્ધ કારકિદીઃ કારગિલ યુદ્ધ
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (સ્વહસ્તે)
નાયબ સુબેદાર સંજય કુમાર (જન્મ ૩ માર્ચ ૧૯૭૬ પરમવીર ચક્ર) ભારતીય ભૂમિસેનાના સૈનિક અને જુનિયર કમિશન અધિકારી છે. તેમને ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા છે.
કુમારનો જન્મ બિલાસપુર જિલ્લો, હિમાચલ પ્રદેશના કાલોલ બકૈન ગામમાં થયો હતો. સેનામાં જોડાવા પહેલાં તેઓ દિલ્હી ખાતે ટેક્સી ચાલક તરીકે કામ કરતા હતા. સૈન્યમાં પસંદગી પામતાં પહેલાં તેમની અરજી ત્રણ વખત નકારવામાં આવી હતી.
૪ જુલાઈ ૧૯૯૯ના દિવસે તેઓ ૧૩મી પલટણ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની દિશા શોધક ટુકડીની આગેવાની કરી રહ્યા હતા. તેમનું કાર્ય કારગિલ યુદ્ધ દરમિયાન એરિયા ટોપ કબ્જે કરવાનું હતું. તે વિસ્તાર પર પાકિસ્તાની સૈનિકોનો કબ્જો હતો.
કરાડ પર ચઢાણ કર્યા બાદ તેમની ટુકડી આશરે ૧૫૦ મીટર દૂરના દુશ્મન બંકર દ્વારા કરેલા મશીન ગન ફાયરને કારણે ફસાઈ ગઈ અને આગળ વધતી અટકી ગઈ.
કુમાર તુરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા અને એરિયા ટોપ ને કબ્જે કરવાના કાર્યમાં બંકર દ્વારા પડી શકતી મુશ્કેલી પણ આંકી લીધી. તેઓ કરાડની કિનાર સુધી સરકી અને પહોંચી ગયા અને બાદમાં ગોળીઓની ઝડી વચ્ચે બંકર તરફ ધસ્યા. તુરંત જ તેમને બે ગોળી છાતી અને હાથના ભાગે વાગી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા. ગોળીઓના જખમમાંથી લોહી વહેવા છતાં બંકર તરફ ધસવાનું ચાલુ રાખ્યું. હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. ત્યારબાદ તેમણે દુશ્મનની મશીન ગન ઉપાડી લીધી અને બીજા બંકર તરફ ધસ્યા.
દુશ્મન સૈનિકો આનાથી ડઘાઈ ગયા અને ભાગવા જતાં કુમારના હાથે માર્યા ગયા. આ બહાદુરીથી પ્રેરાઈને ટુકડીએ એરિયા ટોપ પર હુમલો કર્યો અને આખો વિસ્તાર કબ્જે કરી લીધો.
કેપ્ટન વિક્રમ બત્રા
જન્મ: ૯ સપ્ટેમ્બર, ૧૯૭૪ પાલમપુર, હિમાચલ પ્રદેશ
શહાદત: ૭ જુલાઈ, ૧૯૯૯ (ઉંમર ૨૪ વર્ષ) પોઈન્ટ ૪૮૭૫, કારગિલ, જમ્મુ અને કશ્મીર
સર્વિસ/ શાખા: ભારતીય સેનાસેવા ના વર્ષો: ૧૯૯૬-૧૯૯૯
પદઃ કેપ્ટન
રેજીમેન્ટ: ૧૩ જે. એન્ડ કે. રાઈફલ
યુદ્ધ કારકિર્દી:
કારગિલ યુદ્ધ, ઓપરેશન વિજય, બેટલ પોઈન્ટ ૫૧૪૦, બેટલ પોઈન્ટ ૪૮૭૫
પુરસ્કાર: પરમ વીર ચક્ર, (મરણોત્તર)
કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની પરમી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં, ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા શ્રી જી.એલ.બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે. આર. નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું. કેપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની 'ડેલ્ટા કંપની 'ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે ‘શેરશાહ'નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો.
તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યું કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડના મુખ પાસે મશીનગનના ગોળીબારથી ઘેરી લીધા. બત્રા અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણ જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા, તોપણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા.
તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યાં. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર રહેવા આગ્રહ રાખ્યો.
કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઇન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું. પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ,કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા.
૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, "જય માતા દી.” હતા. દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.
સંકલ્પ
હું વૃક્ષોને વનોના પ્રતિક માનીને તેમનો આદર કરૂ છું.
હું સાપોને વન્ય જીવનનું પ્રતિક માનીને તેમનો આદર કરૂ છું.
હું ગાયને પ્રાણી માત્રનું પ્રતિક માનીને તેનો આદર કરૂ છું.
હું ગંગાને પ્રકૃતિનું પ્રતિક માનીને તેનો આદર કરૂ છું
હું ધરતી માતાને પર્યાવરણનું પ્રતિક માનીને તેનો આદર કરૂ છું.
હું માતા-પિતાને માનવ મૂલ્યોનાં પ્રતિક માનીને તેમનો આદર કરૂ છું.
હું મારા શિક્ષકોને શીખવાનું પ્રતિક માનીને તેમનો આદર કરૂ છું.
હું નારીને માતૃત્વનું પ્રતિક માનીને તેમનો આદર કરૂ છું.
હું રાષ્ટ્ર નાયકોને ભારતનું પ્રતિક માનીને તેમનો આદર કરૂ છું.
Pledge
I revere "Trees" as symbol of Forests
I revere "Snakes" as symbol of Wild Life
I revere "Cows" as symbol of all Living Beings
I revere "Ganga" as symbol of Nature
I revere "Mother Earth" as Symbol of Environment
I revere my "Parents" as symbol of Human Values
I revere my "Teachers" as symbol of Learning
I revere "Women" as symbol of Motherhood
I revere "War Heroes" as symbol of Bharat

Post a Comment