બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે વર્ષ ૨૦૧૪ બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી હર્ષદ વોરાએ આજે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરી વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વહીવટી બદલીઓ અંતર્ગત તેમની બોટાદ જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અનુભવી, કાર્યકુશળ અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ ધરાવતા શ્રી હર્ષદ વોરાએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
પદભાર સંભાળ્યા બાદ કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવું, સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમો અને વિકાસ પ્રોજેક્ટ્સના ઝડપી તથા અસરકારક અમલીકરણને પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી સમયમાં પ્રવેશોત્સવ, પુનઃપ્રવેશોત્સવ, વસ્તી ગણતરી સહિતની મહત્વપૂર્ણ કામગીરી સુચારૂ રીતે પાર પડે તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાશે. ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો ગુણવત્તાસભર રીતે સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે શ્રી હર્ષદ એમ. વોરા વર્ષ ૨૦૧૪ બેચના આઈ.એ.એસ. અધિકારી છે. બોટાદ જિલ્લાના કલેક્ટર તરીકે પદભાર સંભાળતા પહેલાં તેઓએ સાબરકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેઓએ એમ.એ., એમ.બી.એ. ઉપરાંત ડિપ્લોમા ઇન સાયબર લો, ડિપ્લોમા ઇન ઇન્ટેલિજન્ટ પ્રોપર્ટી રાઈટ્સ તથા ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો અભ્યાસ કર્યો છે.
તેઓએ બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને ગોધરા સહિતના જિલ્લાઓમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે. કચ્છમાં ભૂકંપ અને અછત જેવી વિકટ પરિસ્થિતિઓ દરમિયાન તેમજ અમદાવાદ ખાતે કોરોના મહામારીના કપરા સમયગાળા દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી છે.
શ્રી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ સામાજિક કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક નવતર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મુકાયા છે. દિવ્યાંગજન કલ્યાણ માટે ૧૬ હજારથી વધુ દિવ્યાંગોને લાભાન્વિત કરનાર અભિયાન માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તેમજ પ્રેગ્નન્ટ લેડી માટેના પ્રિન્ટેડ પ્રોગ્રામ માટે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સન્માનીય નોંધ થઈ છે.
સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કરાયેલ નોંધપાત્ર કામગીરી બદલ તેમને બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ‘SKOCH Award’ એનાયત થયા છે. “લાલન-પાલન” પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના નવજાત શિશુઓ અને ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્ય સુધારણા માટે વિશિષ્ટ અભિયાન હાથ ધરાયું હતું, જેને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે. ઉપરાંત જુવેનાઇલ ડાયાબિટીસ કેર મોડલ અંતર્ગત ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને ગ્રામ્ય કક્ષાએ મફત ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને જરૂરી સાધનો સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કુપોષણ અને હાઈ રિસ્ક માતાઓ માટે “હેત” અને “લાલન-પાલન” જેવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ પણ સફળતાપૂર્વક અમલમાં મુકાયા હતા. એક જ જિલ્લામાંથી બે માનવીય પ્રોજેક્ટ્સને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળવું એ વહીવટી તંત્ર માટે ગૌરવની બાબત બની છે. શ્રી હર્ષદ વોરાએ વાહન વ્યવહાર વિભાગની સ્ક્રેપ પોલિસી ઘડતરમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
બોટાદ કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ બોટાદ જિલ્લાના સર્વાંગી અને સમાન વિકાસ માટે ટીમ ભાવના સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્રને વધુ સંવેદનશીલ, પારદર્શક અને લોકો કેન્દ્રિત બનાવી સરકારશ્રીની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. જિલ્લાના નાગરિકો સાથે સંવાદ અને સહભાગિતાના માધ્યમથી વિકાસને નવી દિશા આપવા તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે.



Post a Comment