ભારતીય રાસ્પુતિન

 ભારતીય રાસ્પુતિન: નેહરુજીને યોગ શીખવતા શીખવતા ઈન્દિરા ગાંધીની કિચન કેબિનેટનો મુખ્ય સૂત્રધાર બનીને ભારતીય રાસ્પુતિન તરીકે વગોવાયેલા યોગ શિક્ષકની વાત 




રશિયામાં છેલ્લા ઝારના સમયમાં ઝાર નિકોલસ અને તેની મહારાણી એલેકઝાન્ડ્રાનો અત્યંત નજીક ગણાતો જાદુટોણા કરનારો ધાર્મિક ગઠીયો હતો. એ વખતે એવું કહેવાતુ કે રાસ્પુતિનનો પડ્યો બોલ ઝાર અને તેની રાણી ઝીલતા હતા. રાસ્પુતિન ઈચ્છે તે દરબાર રહી શકે અને જેને રાસ્પુતિન દાઢમાં ઘાલે પછી તે ગયો. 

ભારતીય રાજકીય અવકાશમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારમાંથી જતે દિવસે સત્ય વિસરાઈ અને વિંખાઈ,પીંખાઈ ગયુ જ્યારે અહિંસા તો ગાંધીજીએ માત્ર હિન્દુઓના માથે પધરાવી દીધી અને છેવટે એ અહિંસાએ ભારતીય નેતૃત્વના માથે ચઢી પરિણામે ભારત પોતાના રાષ્ટ્રીય હિતને કોરાણે મુકીને પણ અહિંસા અને શાંતિને સાચવવામાં આવી. 

જવા દો આપણે ભારતીય રાસ્પુતિનના નામે તત્કાલીન સમયે જેને ઓળખવામાં આવ્યો એની કરવાની છે સત્ય અને અહિંસાની નહી. સ્વાધીન ભારતના ઈતિહાસમાં વંશ પરંપરાગત નેતા પ્રસ્થાપિત કરવાનું એક અક્ષમ્ય કાર્ય વિશ્વમાં શાંતિદૂત તરીકે 'વિખ્યાત' કરી દેવામાં આવેલા નેહરુજીએ કર્યું છે. આ પરંપરાનું એક ચર્ચાસ્પદ પ્રકરણ છે ધીરેન્દ્ર બ્રહ્મચારી. 

12 ફેબ્રુઆરી 1924 ના દિવસે બિહારના મધુબનીમાં જન્મેલા ધીરેન્દ્ર ચૌધરીએ 13 વર્ષની વયે ઘર છોડીને લખનૌના ગોપાલખેડામાં મહર્ષિ કાર્તિકેયના આશ્રમમાં યોગ શીખ્યા. 1950 આવતા સુધીમાં ધીરેન્દ્ર ચૌધરીમાંથી ધીરેન્દ્ર બ્રહ્મચારી બનેલો, સફેદ દાઢી, ઘાટીલા કદ કાઠીનો આ 'સન્યાસી' દિલ્હીના રાજકીય વર્તુળોમાં હરતો ફરતો અને પ્રભાવ પાથરતો થઈ ગયો હતો. 

ધીરેન્દ્ર બ્રહ્મચારીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુજીને યોગ શીખવવાનો આરંભ કર્યો અને પછી તો રાજકારણીઓની લાઈન લાગી ગઈ. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, જયપ્રકાશ નારાયણ વગેરે વગેરે ધીરેન્દ્ર બ્રહ્મચારી પાસે યોગ શીખવા માંડ્યા. 

ધીરેન્દ્ર બ્રહ્મચારીનો રાજકીય પ્રભાવ વધવા માંડ્યો હતો. વર્ષ 1959 માં ધીરેન્દ્ર બ્રહ્મચારીએ દિલ્હીમાં પોતાનો વિશ્વાયતન યોગ આશ્રમ નામનો આશ્રમ સ્થાપ્યો જેનું ઉદ્ઘાટન સ્વયં વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કર્યુ. ઈન્દિરા ગાંધીનું જીવન ચરિત્ર લખનાર કેથરીન ફ્રેંકે પોતાના પુસ્તકમાં નોંધ્યુ છે કે એ વખતે ધીરેન્દ્ર બ્રહ્મચારીના આશ્રમને શિક્ષણ મંત્રાલય તરફથી અનુદાન મળતુ હતુ અને મંત્રાલય તરફથી ધીરેન્દ્ર બ્રહ્મચારીને જંતર મંતર ઉપર એક વૈભવી બંગલો પણ ફાળવવામાં આવ્યો હતો. 

જવાહરલાલ નેહરુ સાથે પરીચય અને યોગ શીખવતી વખતે ધીરેન્દ્ર બ્રહ્મચારી 1958માં નેહરુજીના પુત્રી ઈન્દિરાજીના એટલા નજીક આવી ગયા હતા કે એમના સંબંધોની ચર્ચા સમાચારોમાં થવા લાગી હતી. શિક્ષણ મંત્રાલય સાથેનો ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ઈન્દિરાજીનો એક કિસ્સો 50 અને 60 ના દાયકામાં વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યરત વરિષ્ઠ ધારાશાસ્ત્રી જનક રાજ જયે જણાવ્યો હતો. જનક રાજ જય કહે છે કે 1963 માં તત્કાલીન શિક્ષણ મંત્રી ડૉ. કે. એલ. શ્રીમાળીને ધીરેન્દ્ર બ્રહ્મચારીએ પોતાના આશ્રમની ગ્રાન્ટ રીન્યુ કરવા માટે કહ્યું. શ્રીમાળીએ ધીરેન્દ્ર બ્રહ્મચારીને પાછલા વર્ષના ઑડિટ રિપોર્ટર્સ જમા કરાવવાનું કહેતા ધીરેન્દ્ર બ્રહ્મચારી ગુસ્સે થઈ ગયા અને શ્રીમાળીને પરખાવ્યું કે આજ દિન સુધી એમની પાસે કોઈએ આમ કહ્યું નથી. આ મુદ્દો તરત જ ઈન્દિરાજીએ પકડ્યો અને ડૉ. કે.એલ. શ્રીમાળીની ફરિયાદ પોતાના વડાપ્રધાન પિતાને કરી કે ડૉ. શ્રીમાળીએ સ્વામીજીની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. પિતા ભલે વડાપ્રધાન બની જાય પરંતુ પુત્રીની વાત કેમ ટાળી શકે? જવાહરલાલ નેહરુએ પોતાના શિક્ષણ મંત્રી ડૉ. કે.એલ. શ્રીમાળી સાથે આ સંબંધે વાત કરી ત્યારે શ્રીમાળીએ વાસ્તવિક સ્થિતિ જણાવી. નેહરુજીએ એ વાત ઈન્દિરાજીને જણાવી છતાંય ઈન્દિરાજીને સંતોષ ન થયો અને તેમણે ધીરેન્દ્ર બ્રહ્મચારીની તરફેણ ચાલુ રાખી. આખરે નેહરુજીએ કંટાળીને કહ્યું કે, શું હું એને બારીની બહાર ફેંકી દઉં? એ માણસ ઑડિટ રિપોર્ટર્સ શા માટે આપતો નથી? (સંદર્ભ: એશિયન એજ: 6 જૂન, 2016)


1964 માં નેહરુજીનું દેહાંત થતા ધીરેન્દ્ર બ્રહ્મચારીનું વડાપ્રધાન આવાસ ઉપર આવાગમન વધી ગયું. બ્રહ્મચારી દરરોજ ઈન્દિરાજીને એકાંતમાં એક કલાક યોગ શીખવતા હતા. એ વખતે ઈન્દિરાજીએ પોતાની મિત્ર અને વિખ્યાત ફોટોગ્રાફર ડોરોથી નોર્મનને એક પત્ર લખ્યો જેમાં ઈન્દિરાજીએ લખ્યું કે, હું હવે રોજ વહેલા ઉઠી જાઉં છું અને એક યોગી મને યોગ શીખવવા આવે છે. એમનું શરીર એટલું સુંદર છે કે કોઈ પણ તેમનાથી આકર્ષિત થયા વગર રહી ન શકે. આ પત્રની વાત જાહેર થતા અનેક ગૉસિપ મેગેઝીનોમાં ચગવા લાગી. વડાપ્રધાન નેહરુજીના નજીકના ગણાતા પત્રકાર ખુશવંતસિંઘે આ અંગે જે ટિપ્પણી કરી હતી તે એક વડાપ્રધાન માટે સન્માન હોવાને કારણે લખતો નથી.

ઈન્દિરાજીના નજીક હોવાથી ધીરેન્દ્ર બ્રહ્મચારીનો રાજકીય પ્રભાવ જબરજસ્ત વધી ગયો હતો તેઓ કોઈ રોકટોક વગર વડાપ્રધાન આવાસમાં આવાગમન કરી શકતા હતા. 

ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દર કુમાર ગુજરાલે પોતાની આત્મકથા 'મેટર્સ ઑફ ડિસ્ક્રેશન: એન ઑટોબાયોગ્રાફી' માં ધીરેન્દ્ર બ્રહ્મચારીનો ઈન્દિરા ગાંધી ઉપર પ્રભાવ અને તેમની રાજકીય તાકાત કેટલી હતી અને એક સાધારણ યોગ શિક્ષક શિક્ષક કેવી રીતે આખી સરકારને પોતાની આંગૄઈઓ ઉપર નચાવતો હતો તે દર્શાવતો એક પ્રસંગ વિસ્તારપૂર્વક નોંધ્યો છે. આઈ.કે. ગુજરાલ લખે છે કે, જ્યારે હું નિર્માણ અને આવાસ રાજ્ય મંત્રી હતો ત્યારે ધીરેન્દ્ર બ્રહ્મચારીએ દિલ્હીના પૉશ એવા ગોલ ડાકખાના નજીકની જમીન તેમના આશ્રમને આપવાની માંગ કરી. હું એ જમીન આપવાના મતનો નહોતો તેથી મેં ફાઈલ રોકી દીધી. એક દિવસ સાંજે મને ધીરેન્દ્ર બ્રહ્મચારીનો ફોન આવ્યો અને તેમણે મને ધમકીભરી ભાષામાં કહ્યું કે જો તે તેમની (ધીરેન્દ્ર બ્રહ્મચારીની) વાત નહી માને તો તે (ધીરેન્દ્ર બ્રહ્મચારી) તેમને ડિમોટ કરાવી દેશે. ગુજરાલ લખે છે કે સપ્તાહ બાદ મંત્રીમંડળમાં ફેરબદલ થયા અને તમનું ડિમોશન કરી દેવામાં આવ્યું અને તેમની ઉપર ઉમાશંકર દીક્ષિતને કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવ્યા. જ્યારે ગુજરાલે આ અંગે ઈન્દિરા ગાંધીને આ અંગે ફરિયાદ કરી તો ઈન્દિરા ગાંધી ચુપ્પી સાધી લીધી, એક અક્ષર પણ બોલ્યા નહી.

ધીરેન્દ્ર બ્રહ્મચારીને ઈન્દિરાજીએ અનેક પ્રકારની સુવિધાઓ આપી. ઘણી બધી સુવિધાઓ નિયમોથી ઉપરવટ જઈને આપવામાં આવી.જેમાં અનેક એકર જમીન, વિમાન આયાત કરવામાં કસ્ટમ ડ્યૂટીની માફી, જમ્મુ કાશ્મીર માં બંદૂક બનાવવાની ફેક્ટરીની તાત્કાલિક પરવાનગી વગેરે. 

કેથરીન ફ્રેંક લખે છે કે ધીરેન્દ્ર બ્રહ્મચારી એકમાત્ર એવા પુરુષ હતા જે ઈન્દિરાજીના ઓરડામાં એકલા આવાગમન કરી શકતા હતા. ઈન્દિરાજી સાથે આટલા નજીકના સંબંધ હોવાને કારણે ધીરેન્દ્ર બ્રહ્મચારીને ભારતના રાસ્પુતિન કહેવાનો આરંભ થયો. 


Post a Comment

Previous Post Next Post