કેસ દાખલ કરવાની લઘુત્તમ મર્યાદા વધારીને ₹5 કરોડ કરાઈ | નાના વેપારીઓને વર્ષે એક જ વાર રિટર્ન ભરવાની સુવિધા | ₹10,000 થી ઓછી રકમની જૂની તમામ નોટિસો રદ થશે
નવી દિલ્હી:
દેશમાં પરોક્ષ કર વ્યવસ્થાને વધુ પારદર્શક, સરળ અને ભયમુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 57મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વિના નિયમો અને વહીવટી પ્રક્રિયાઓમાં ધરખમ સુધારાઓની ભલામણ કરવામાં આવી છે. કાઉન્સિલે કરદાતાઓ પર લટકતી તલવાર સમાન ધરપકડની જોગવાઈ નાબૂદ કરવાનો તથા કાયદાકીય કેસ (પ્રોસિક્યુશન) દાખલ કરવા માટેની લઘુત્તમ મર્યાદા ₹1 કરોડથી વધારીને સીધી ₹5 કરોડ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
બેઠક બાદ નિર્ણયોની જાહેરાત કરતાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, “GSTના દર અને પ્રક્રિયા સંબંધિત 99 ટકા પ્રશ્નોનું હવે સુચારુ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. આ નવા પગલાંથી ‘ઇન્સ્પેક્ટર રાજ’ અને અધિકારીઓની બિનજરૂરી દખલગીરીનો અંત આવશે અને દેશમાં ‘ટ્રસ્ટ-બેઝ્ડ’ (વિશ્વાસ આધારિત) કર વ્યવસ્થા સ્થાપિત થશે.”
સામાન્ય દંડમાં 60 ટકાનો ઘટાડો, નાની નોટિસોથી મુક્તિ
વેપારીઓને રાહત આપતાં કાઉન્સિલે સામાન્ય દંડની રકમ ₹25,000 થી ઘટાડીને ₹10,000 કરવાની મંજૂરી આપી છે. વધુમાં, હવેથી ₹10,000 કે તેથી ઓછી રકમ માટે કોઈ નવી શો-કોઝ નોટિસ આપવામાં આવશે નહીં. તંત્ર પાસે આવી પેન્ડિંગ રહેલી હજારો નાની નોટિસો અને અપીલોને પણ તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી નાના વેપારીઓને કાયદાકીય ગૂંચવણોમાંથી મોટી મુક્તિ મળશે.
ફેસલેસ અને ઓટોમેટેડ રિફંડ સિસ્ટમ
ભ્રષ્ટાચાર અટકાવવા અને ટેક્સ રિફંડ ઝડપી બનાવવા માટે સિસ્ટમ-આધારિત સુધારા લાગુ કરાશે. શૂન્ય ટકા નિકાસ અને ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળના દાવાઓમાં 90% પ્રોવિઝનલ રિફંડ કોઈ પણ અધિકારીની મધ્યસ્થી વિના સિસ્ટમ દ્વારા આપમેળે (ઓટોમેટેડ) મંજૂર થશે. રિફંડ સ્વીકૃતિનો સમયગાળો પણ 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે.
નાના વેપારીઓ અને MSMEs માટે સુવિધાઓ
- વાર્ષિક રિટર્ન યોજના: ₹5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા B2C (ગ્રાહકલક્ષી) વેપારીઓ માટે ત્રિમાસિક ટેક્સ ચૂકવણી સાથે વર્ષમાં એક જ વાર રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવાશે.
- ઈ-કોમર્સ વિક્રેતાઓને રાહત: નાના ઓનલાઈન વેપારીઓએ હવે દરેક રાજ્યમાં અલગ ઓફિસ ઊભી કરવાની જરૂર નહીં રહે; તેઓ પ્લેટફોર્મના વેરહાઉસના આધારે સિંગલ રજિસ્ટ્રેશન મેળવી શકશે.
- વાહનોની રોકથામ પર કડક નિયંત્રણ: આંતરરાજ્ય માલસામાનના પરિવહન દરમિયાન ટ્રકો કે વાહનોને માત્ર ચોક્કસ ગુપ્ત માહિતી અને જોઈન્ટ કમિશનર સ્તરના અધિકારીની મંજૂરી બાદ જ તપાસી શકાશે. તપાસની સત્તા માત્ર માલ રવાના કરનાર કે મેળવનાર રાજ્ય પાસે રહેશે.
1 એપ્રિલ 2027થી વ્યાપક અમલ
કાઉન્સિલની આ તમામ ભલામણોને યોગ્ય કાયદાકીય સુધારાઓ અને કેન્દ્રીય નિયમોમાં રૂપાંતરિત કરવામાં આવશે. મોટાભાગના પ્રક્રિયાકીય સુધારાઓ 1 એપ્રિલ 2027થી અમલમાં મુકાશે. જોકે, સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સુધારાઓ ઈમાનદાર વેપારીઓ માટે છે; બોગસ બિલિંગ, નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને સંગઠિત ટેક્સ ચોરી સામે ડેટા-એનાલિટિક્સ આધારિત કડક કાયદાકીય કાર્યવાહી યથાવત્ રહેશે.

Post a Comment